કાયમી ભરતીના વાયદા અધૂરા રહેતા ખેલ સહાયકો ફરી મેદાનમાં

By: Nation Gujarat Team
18 Nov, 2026

15થી 16 વર્ષથી ભરતી ન થઈ હોવાનો ઉમેદવારોનો આક્ષેપ; SET પાસ ઉમેદવારોને તક આપવા અને ભરતીનું જાહેરનામું બહાર પાડવાની માંગ સાથે આંદોલન શરૂ.

Gandhinagar News: ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે ખેલ સહાયકો અને ઉમેદવારો ફરી આંદોલનના માર્ગે ઉતર્યા છે. ઉમેદવારોના જણાવ્યા મુજબ, છેલ્લા 15થી 16 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. ભરતીની માંગને લઈને 19 મહિના પહેલાં 32 દિવસ સુધી આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારની બાંહેધરી છતાં ભરતીનું સત્તાવાર જાહેરનામું બહાર ન પડતાં ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે.

2023માં SET પાસ ઉમેદવારોને ભરતીમાં તક આપવાની માંગ

આંદોલનકારીઓની મુખ્ય માંગ છે કે વર્ષ 2023માં SET પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીમાં તક આપવામાં આવે. ઉમેદવારોનો દાવો છે કે ભરતી માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી અને GR પણ બહાર પાડવામાં આવ્યો હોવા છતાં ભરતી પ્રક્રિયા આગળ વધી રહી નથી. આ કારણે લાયક ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સરકારી કચેરીઓના ધક્કા અને અધિકારીઓના જવાબોથી અસંતોષ

ઉમેદવારોના આક્ષેપ મુજબ, છેલ્લા 19 મહિનાથી ભરતી અંગે રજૂઆતો કરવા સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે, પરંતુ અધિકારીઓ દ્વારા ફાઇલની સ્થિતિ અંગે સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી. ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી ન મળતાં ઉમેદવારોમાં અસંતોષ વધી રહ્યો છે.

ભરતીનું જાહેરનામું ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી SET પરીક્ષાના આધારે કરવામાં આવે અને તેનું સત્તાવાર જાહેરનામું તાત્કાલિક બહાર પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા શરૂ નહીં થાય ત્યાં સુધી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score