બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે કાળી ચૌદસ તા.07-11-2026ને શનિવારના રોજ શ્રી હનુમાનજી દેવતાના વિશેષ પૂજનનો ભવ્ય રીતે ધામધુમ પૂર્વક ઉજવાઇ ગયો. આ દિવસે હજારો હરિભક્તોએ –યજમાનશ્રીઓ, રાજકીય મહેમાનશ્રીઓએ હનુમાન દેવના પૂજનનો વિશાળ યજ્ઞમંડપમાં લ્હાવો લીધેલ તેમજ દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ, મારુતિ યજ્ઞ પૂજન દર્શન વગેરેના દિવ્ય દર્શનનો લાભ લીધેલ.
આ પ્રસંગે દાદાને શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને હીરાજડિત મુગટ- પોપટની ડિઝાઈનવાળો રજવાડી ફૂલ, ઝાડ, કમળની ડિઝાઇન વાળો મુગટ, આકર્ષક રંગબેરંગી મયૂરપંખના વાઘા અને મોતીનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં મોતી- પુષ્પોની દિવ્ય સજાવટ કરવામાં આવી છે, ચમકતા અને કલાત્મક મોર સુંદર રચના કરવામાં આવી હતી.સવારે 5:30 કલાકે મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા, સવારે 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા, સવારે 8:00 કલાકે અભિષેક, 11:15 કલાકે છપ્પનભોગ અન્નકૂટ આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા, વધારે 12:30 કલાકે સમૂહ મારુતિ યજ્ઞ પૂર્ણાહુતી કરવામાં આવેલ હતી.
દાદાના મંદિર અને સમગ્ર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું, મંદિરના વહીવટકર્તા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) વિગેરે સંતમંડળ દ્વારા પૂજ્ય દાદાના ભક્તો માટે વિશેષ સગવડ રહેવા-જમવાની તથા યજ્ઞ મંડપની અને પાર્કીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ નિમિતે હનુમાનજી દાદાના રસોડામાં પ્રસાદીમાં પુરી, શીરો, મોહનથાળ, દાળ-ભાત,શાક, ખમણ વગેરે પકવાનોની પ્રસાદનો લાભ હજારો ભકતોએ લીધો હતો તેમજ બધા દર્શનાર્થીઓ ભક્તો માટે સવારના ચા -પાણી નાસ્તો -મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ સંતમંડળ-પાર્ષદમંડળ દ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યુ હતું.
તો આવા છે સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા…
“શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ”