આસો વદ ચૌદશ એટલે કે કાળી ચૌદશના પવિત્ર પર્વે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો. ચાલુ વર્ષે કાળી ચૌદશ અને શનિવારનો વિશેષ સંયોગ રચાયો હોવાથી વહેલી સવારથી જ દાદાના દર્શનાર્થે હજારો ભક્તોની ભારે ભીડ ઉમટી પડી.
જ્યારે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1905 (આસો વદ પંચમ)ના રોજ હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, ત્યારે તેમણે આ દિવ્ય મૂર્તિ સમક્ષ ઊભા રહીને પોતાની પ્રાસાદિક લાકડી (છડી) અડાડીને મૂર્તિમાં પ્રાણ પૂર્યા હતા. સ્વામીજીની છડીનો સ્પર્શ થતાં જ મૂર્તિમાં દિવ્ય ચેતનાનો સંચાર થયો અને હનુમાનજી મહારાજ ધ્રૂજવા લાગ્યા હતા. ત્યારથી આ છડી અત્યંત ચમત્કારિક અને પવિત્ર ગણાય છે.
ઉત્સવ દરમિયાન દાદાને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. કાળી ચૌદશના પ્રસંગે ગુજરાત અને બહારથી આવતા દૂર-દૂરના ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા તથા પ્રસાદ-ભોજનની ઉત્કૃષ્ટ અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી.વહેલી સવારે દાદાની ભવ્ય મહાઆરતી પૂજનવિધિ બાદ દાદાની પવિત્ર છડીનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો. ત્યાર બાદ આયોજિત મારુતિ યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આહુતિ આપી ધન્યતા અનુભવી. આ વિશેષ યજ્ઞમાં ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બાબુભાઈ જમનાદાસ પટેલ સહિત 651 જેટલા ભક્તોએ હાજરી આપી યજ્ઞનો સીધો લાભ લીધો.
આ પાવન અવસરે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને હીરા જડિત ચાંદીના આભૂષણો તેમજ મનોહર ભરતકામ કરેલા વાઘાનો અલૌકિક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો. દાદાનું આ મંગળકારી રૂપ જોઈને દર્શનાર્થે આવેલા હરિભક્તો ભાવવિભોર બન્યા અને સમગ્ર મંદિર પરિસર “જય કષ્ટભંજન દેવ”ના નાદથી ગુંજી ઉઠ્યું.