ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 38 વર્ષીય મેક્સવેલે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટની સાથે લિસ્ટ-A અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે.
મેક્સવેલે જૂન 2025માં વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેઓ મેલબર્ન સ્ટાર્સ માટે બિગ બેશ લીગમાં રમતા રહેશે. મેલબર્ન સ્ટાર્સ સાથે તેમનો કરાર 2027-28 સીઝનના અંત સુધીનો છે.
મેક્સવેલે પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ફેબ્રુઆરીમાં ઓમાન સામે રમી હતી. આ ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચ હતી.
130 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી
મેક્સવેલે 2012માં પાકિસ્તાન સામે ટી-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 130 ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં 2,897 રન બનાવ્યા છે. તેઓ આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેમના નામે 5 સદી નોંધાયેલી છે. ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના નામે પણ ટી-20 ઇન્ટરનેશનલમાં આટલી જ સદી છે.
તેમણે ઓસ્ટ્રેલિયા માટે 7 ટેસ્ટ મેચ પણ રમી છે. તેમાં તેમણે 339 રન બનાવ્યા છે. તેમની એકમાત્ર ટેસ્ટ સદી 2017માં ભારત સામે રાંચીમાં આવી હતી.
ભવિષ્યને લઈને સતત ચર્ચા
મેક્સવેલે કહ્યું કે તેમના ભવિષ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. ‘ધ ફાઇનલ વર્ડ’ પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું કે ટી-20 વર્લ્ડ કપ પહેલાં અને પછી આ મુદ્દે ચર્ચા થઈ હતી.
તેમણે કહ્યું, ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ દબાણ નહોતું. અમે વાપસીનો રસ્તો ખુલ્લો રાખ્યો હતો. કેટલીક સિરીઝમાં ટીમ નવા ખેલાડીઓને તક આપવા માંગતી હતી. બાંગ્લાદેશમાં એવું થયું અને ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું.
MCGમાં વિદાય મેચની આશા હતી
ઇંગ્લેન્ડ સામેના વ્હાઇટ-બૉલ પ્રવાસ દરમિયાન મેલબર્નમાં એક ટી-20 મેચ રમાશે. મેક્સવેલને આશા હતી કે તેમને તેમના ઘરઆંગણાના મેદાન MCG પર વિદાય મેચ રમવાની તક મળશે.
તેમણે કહ્યું, મારી નાનકડી આશા હતી કે MCGમાં વિદાય મેચ મળી શકે, પરંતુ હું ટીમની આગળની યોજના સમજું છું. આગામી 12થી 24 મહિનામાં ટીમમાં ઘણો બદલાવ આવશે. 2028 ઑલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને તક આપવી જરૂરી છે.
મેક્સવેલે કહ્યું કે છેલ્લા 15 વર્ષથી ટી-20 ફોર્મેટ તેમના માટે ઘર જેવું રહ્યું છે. તેથી તેઓ આ ફોર્મેટમાં યાદગાર વિદાયની આશા રાખી રહ્યા હતા.
BBL માટે ઘૂંટણની સર્જરી અને રિહેબ પર ધ્યાન
મેક્સવેલે જણાવ્યું કે ઈંગ્લેન્ડ સામે મેલબર્નમાં યોજાનારી ટી-20 મેચ માટે રમવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે BBLની તૈયારીને પ્રાથમિકતા આપી. આ માટે તેઓ ઘૂંટણમાં ઈન્જેક્શન લેવાના હતા. હવે તેઓ 8 અઠવાડિયા સુધી રિહેબ કરશે, જેથી બિગ બેશ લીગ માટે ફિટ થઈ શકે.