Ahmedabad Nikol Hit and Run:અમદાવાદના નિકોલ વિસ્તારમાં બેફામ બનેલા ડ્રિંક એન્ડ ડ્રાઇવના રાક્ષસે એક જ પરિવારના મા-દીકરાનો ભોગ લીધો છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અક્ષર હોસ્પિટલ સામે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નિકોલ વિસ્તારમાં આવેલી અક્ષર હોસ્પિટલ સામે કેટલાક લોકો શાંતિથી ફૂટપાથ પર બેઠા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી GJ-18-EF-4060 નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ફૂટપાથ પર બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે રાહદારીઓ ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન માતા પૂનમબેન અને તેમના 15 વર્ષીય પુત્ર સાગરનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કાર્તિકભાઈ અને અન્ય એક મહિલા હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.
અકસ્માત સર્જનાર કારચાલક વિરલ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ જ્યારે લોકોએ કારની તપાસ કરી તો અંદરથી બિયરના બે ટીન મળી આવ્યા હતા, જે સ્પષ્ટ કરે છે કે ચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. નશામાં ધૂત થઈને વાહન હંકારવાના કારણે આ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે નશાની આશંકાના આધારે ચાલકની મેડિકલ તપાસ પણ હાથ ધરી છે.
ઘટનાસ્થળે હાજર લોકોમાં ડ્રાઇવરની બેજવાબદારી અને નશાખોરીને લઈને ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકટોળાએ અકસ્માત સર્જનાર કારચાલક વિરલ ચૌધરીને પકડીને સારો એવો મેથીપાક ચખાડ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આરોપીને લોકટોળાના રોષમાંથી બચાવી પોતાના કબજામાં લીધો હતો.
આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. આઈ. સુમરા અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સામાન્ય અકસ્માતના ગુનાને બદલે આરોપી વિરુદ્ધ ગંભીર ગણાતી BNS કલમ 105(બિન-ઇરાદાપૂર્વકની હત્યા સમાન ગુનો) અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરી છે અને આગળની સઘન તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં દિવસે-દિવસે વધી રહેલા હિટ એન્ડ રનના બનાવો અને નશાખોરીની ઘટનાઓ સામે હવે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. મોંઘીદાટ ગાડીઓના સ્ટિયરિંગ પાછળ બેફામ બનતા રફતારના રાક્ષસો કાયદો અને વ્યવસ્થાની ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે શું શહેરીજનોના જીવનની કોઈ જ કિંમત નથી રહી? દારૂબંધીના કાગળ પરના દાવાઓ વચ્ચે ખુલ્લેઆમ ગાડીઓમાં બિયરના ટીન લઈને ફરતા તત્વોમાં પોલીસ અને કાયદાનો ડર કેમ નામશેષ થઈ ગયો છે? ફૂટપાથ પર સૂતેલા કે બેઠેલા નિર્દોષ ગરીબોની સુરક્ષાની જવાબદારી આખરે કોની?