રાજકોટ શહેરમાં વિરાણી ચોકમાં મેરેજ બ્યુરો અને કાલાવાડ રોડ પર ફ્લોરેન્સ વેલનેસ સેન્ટર નામના સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે દરોડા પાડી માતા-પુત્ર સહિત ૩ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.જ્યારે દિલ્હી,ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ૩ યુવતીઓને મુક્ત કરાવી વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિરાણી ચોક પાસે ગુરૂદશા કોમ્પલેક્ષમાં શ્રી મેરેજ બ્યુરોની આડમાં કુટણખાનું ચાલતું હોવાની માહિતીના આધારે પીઆઈ પરીખ સહિતની ટીમે દરોડો પાડી સંચાલક જયશ્રીબેન ઉર્ફે મીનાબેન ચેતનભાઈ પૂજારા અને તેનો પુત્ર મીતની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં તે બહારથી યુવતીઓ બોલાવી ગ્રાહકો પાસેથી 1000થી 2500 પડાવી કુટણખાનું ચલાવતા હતાં.
પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી તેની પાસેથી રોકડ સહીત રૂ.8800નો મુદ્દામાલ કબ્જે કરી દિલ્હી,ઉત્તર પ્રદેશ અને રાજકોટના સહિત ૩ યુવતીઓ મુક્ત કરાવી હતી.જ્યારે કાલાવાડ રોડ પર મહિલા કોલેજ પાસે કોસ્મો કોમ્પલેક્ષમાં ફ્લોરેન્સ વેલનેસ નામના સ્પામાં દરોડો પાડી સંચાલક ગણેશ લક્ષ્મણ મીનાની ધરપકડ કરી તેની પાસેથી સાત હજારની રોકડ અને બે મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી એક યુવતીને મુક્ત કરાવી વધુ પૂછપરછ કરી હતી.