મેયર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ત્રીજી વખત મેઈલ આવતાં પોલીસ-ફાયરનો કાફલો દોડ્યો!

By: Nation Gujarat Team
27 Oct, 2026

અમદાવાદ શહેરમાં શાળાઓ અને સંવેદનશીલ સ્થળો બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની સર્વોચ્ચ સત્તાના કેન્દ્ર સમાન અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના મુખ્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું છે. દાણાપીઠ સ્થિત AMC હેડક્વાર્ટરમાં આવેલી મેયર ઓફિસને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાનો એક અત્યંત સનસનાટીભર્યો ઈમેઈલ મળતાં સમગ્ર તંત્રમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ છે. ધમકી આપનાર અજાણ્યા શખ્સે ઈમેઈલમાં બપોરે ૨:૧૧ વાગ્યે બોમ્બ વિસ્ફોટ કરવાનો ચોક્કસ સમય પણ દર્શાવ્યો હતો. આ પ્રકારનો ધમકીભર્યો ઈમેઈલ ત્રીજી વખત મળતાં વહીવટી તંત્ર ચોંકી ઊઠ્યું છે અને તાત્કાલિક અસરથી પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે.

2:11 વાગ્યે બ્લાસ્ટનો સમય આપી ત્રીજી વાર અપાઈ ધમકી

AMC ના સત્તાવાર મેઈલ આઈડી પર આવેલા સંદેશામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મેયર ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને બપોરે 2:11 વાગ્યે જોરદાર વિસ્ફોટ થશે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયગાળામાં મેયર કાર્યાલયને ટાર્ગેટ કરતો આ ત્રીજો ધમકીભર્યો ઈમેઈલ છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ તેને અત્યંત ગંભીરતાથી લીધો છે.મેઈલ મળતાંની સાથે જ મેયર કાર્યાલયના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કંટ્રોલ રૂમને એલર્ટ કરવામાં આવ્યા હતા.

પોલીસ, BDDS અને ફાયર બ્રિગેડ દ્વારા મેગા સર્ચ ઓપરેશન

માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ મથકનો કાફલો, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), સ્નિફર ડોગ્સ અને અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડીઓ તાબડતોબ દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન સંકુલ ખાતે દોડી આવી હતી.સાવચેતીના ભાગરૂપે મેયર ઓફિસ અને તેની આસપાસના સંવેદનશીલ બ્લોકને તાત્કાલિક ખાલી કરાવીને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા.મેટલ ડિટેક્ટર અને સ્નિફર ડોગ્સની મદદથી મેયરની ચેમ્બર, સ્ટાફ રૂમ, કોન્ફરન્સ હોલ, લોબી, લિફ્ટ એરિયા અને પાર્કિંગ સહિતના તમામ વિસ્તારોમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.સાયબર ક્રાઈમ બ્રાન્ચની એક વિશેષ ટેકનિકલ ટીમ પણ આ ઈમેઈલનું ઓરિજિન, પ્રોક્સી સર્વર અને આઈપી (IP) એડ્રેસ શોધવા માટે કામે લાગી ગઈ છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score