સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગી શકે છે. આ વખતે આ ઝટકો ટેલિકોમ કંપનીઓ આપી શકે છે. આગામી 4થી 5 મહિનામાં ટેલિકોમ કંપનીઓ પોતાના ટેરિફ પ્લાન્સમાં 12થી 15 ટકા સુધીનો વધારો કરી શકે છે. તેનો અર્થ એ છે કે લોકોને પોતાના મોબાઇલ રિચાર્જ પ્લાન્સ માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે. સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં આગામી ચારથી પાંચ મહિનામાં ટેરિફમાં વધુ 12થી 15 ટકાનો વધારો થઈ શકે છે. સૂત્રો અનુસાર, માર્કેટ કન્સોલિડેશન બાદ કિંમતો વધારવા માટેનું વાતાવરણ વધુ અનુકૂળ બન્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બજારમાં માત્ર 3+1 પ્લેયર્સ રહેતા કિંમતો વધારવા માટેનું વાતાવરણ વધુ અનુકૂળ બન્યું છે અને આગામી 4થી 5 મહિનામાં ટેરિફમાં 12થી 15 ટકાનો વધુ વધારો થવાની અપેક્ષા છે.
ટેલિકોમ સેક્ટરના નાણાકીય પાસાંની વાત કરીએ તો, ત્રણ ટેલિકોમ ઓપરેટર્સ જેમાં ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઇડિયા લિમિટેડ (VIL) –ના Q2FY27માં પ્રતિ યુઝર સરેરાશ આવક (ARPU)માં ત્રિમાસિક ધોરણે (QoQ) આશરે 0.8થી 2 ટકાનો વધારો થવાની અપેક્ષા છે. આ વૃદ્ધિનું કારણ 2Gથી 4G/5G તરફનું માઇગ્રેશન, પોસ્ટપેઇડ ગ્રાહકોની સંખ્યામાં વધારો અને ત્રિમાસિક ગાળામાં દિવસોની વધુ સંખ્યા હોઈ શકે છે. કહેવામાં આવ્યું છે કે ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો, VILના નુકસાનની વચ્ચે સબ્સ્ક્રાઇબર માર્કેટ શેર મેળવવાનું ચાલુ રાખશે. સેન્ટ્રમના રિપોર્ટમાં જણાવાયું છે કે રિલાયન્સ જિયો ત્રિમાસિક ધોરણે આશરે 8 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ઉમેરશે, જ્યારે ભારતી એરટેલ દ્વારા ત્રિમાસિક ધોરણે આશરે 3 મિલિયન ભારતીય વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરવાની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, VIL ત્રિમાસિક ધોરણે આશરે 1 મિલિયન ગ્રાહકો ઉમેરી શકે છે. 4G/5G નેટવર્કના વધતા ઉપયોગને કારણે પ્રતિ ગ્રાહક ડેટાનો વપરાશ મજબૂત રહેશે
રિપોર્ટમાં સમગ્ર સેક્ટરમાં નેટવર્ક કવરેજના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે રિલાયન્સ જિયો અને એરટેલે 95 ટકાથી વધુ જિલ્લાઓમાં 5G સેવા પહોંચાડી દીધી છે અને હવે તેમનું ધ્યાન પોતાના નેટવર્કમાં વધુ 5G ડિવાઇસ ઉમેરવા પર છે. બીજી તરફ, VILનું 5G નેટવર્ક લગભગ 200 શહેરોમાં ઉપલબ્ધ છે અને કંપની પોતાનું 5G કવરેજ વધારી રહી છે. (Image Source | iStock)