ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, સંપત્તિ-વારસાઈમાં હવે મહિલાઓને સમાન હક

By: Nation Gujarat Team
02 Oct, 2026

Gujarat UCC Bill News: ગુજરાત સરકારે વિધાનસભામાં પાસ કરેલા UCC બિલને આખરે રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મંજૂરી આપી દેતા તેણે કાયદાનો સ્વરૂપ ધારણ કર્યો છે. રાજ્યમાં UCCના કાયદાનો ગેજેટ સાથે જ અમલ શરૂ થઈ જશે. આ સાથે હવે સંપત્તિ વારસાઈમાં મહિલાઓને સમાન હક મળશે.

ગુજરાતની વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કૉડને લગતા બિલને મંજૂરી મળી ગયા બાદ રાજ્યપાલ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તાક્ષર સાથે હવે UCC કાયદો બની ગયો છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની આખરી મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકારે ‘ધી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026’ (Gujarat Uniform Civil Code, 2026) અંગેનું સત્તાવાર ગેઝેટ પ્રસિદ્ધ કરી દીધું છે. આ નવો કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમજ રાજ્ય બહાર રહેતા ગુજરાતના રહીશોને લાગુ પડશે.

મુખ્ય કાયદાકીય જોગવાઈઓ અને મહત્વના મુદ્દાઓ:

  1. આદિવાસી (ST) સમુદાયને મુક્તિ

બંધારણની કલમ 366(25) અને 342 હેઠળ આવતા અનુસૂચિત જનજાતિ (ST) ના સભ્યો તથા બંધારણના ભાગ-21 હેઠળ રક્ષિત પરંપરાગત અધિકારો ધરાવતા જૂથોને આ કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.

  1. લગ્ન અને છૂટાછેડાનું ફરજિયાત રજીસ્ટ્રેશન
    લગ્નની વયમર્યાદા:
    લગ્ન સમયે યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય છે.
    ફરજિયાત નોંધણી: કાયદો અમલમાં આવ્યા બાદ થતા તમામ લગ્નોનું 60 દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો નિયત સમયમાં નોંધણી નહીં કરાવાય તો દંડની જોગવાઈ રાખવામાં આવી છે.
    ધાર્મિક વિધિઓ યથાવત: આ કાયદાથી તમામ ધર્મોની પરંપરાગત લગ્નવિધિઓ (જેમ કે સપ્તપદી, નિકાહ, આશીર્વાદ, આણંદ કારજ વગેરે) પર કોઈ રોક નથી.
    એકપત્નીત્વનો નિયમ: જીવિત જીવનસાથી હોય ત્યાં સુધી બીજા લગ્ન કરી શકાશે નહીં.
  2. લિવ-ઇન રિલેશનશિપ (Live-in Relationship) માટે કડક નિયમો
    લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા કે રહેવા માંગતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ સંયુક્ત નિવેદન આપીને નોંધણી (Registration) કરાવવી પડશે.
    જો લિવ-ઇન સંબંધોનો અંત આવે, તો તેની જાણ પણ રજિસ્ટ્રારને સંયુક્ત કે એકતરફી સ્ટેટમેન્ટ આપીને કરવાની રહેશે.
  3. સમાન વારસાહક અને મિલકતનો અધિકાર
    સમાન હક:
    કોઈ વ્યક્તિ વસિયતનામું (Will) કર્યા વગર અવસાન પામે (Intestate), તો તેની મિલકતમાં પત્ની/પતિ, સંતાનો અને માતા-પિતાને કાયદાકીય રીતે સમાન હિસ્સો મળશે.

બાળકોનો અધિકાર: લગ્ન બહાર, સરોગસી કે દત્તક લીધેલા બાળકોને પણ જૈવિક બાળકોની જેમ જ કાયદાકીય અને વારસાહક સંબંધિત તમામ અધિકારો આપવામાં આવ્યા છે.

  1. વિવાદ નિવારણ અને કોર્ટ કાર્યવાહી
    છૂટાછેડા કે લગ્ન સંબંધિત વિવાદો માટે કોર્ટમાં જતાં પહેલાં પ્રિ-લિટિગેશન મેડિએશન (મધ્યસ્થતા)નો વિકલ્પ આપવામાં આવ્યો છે.
    લગ્ન નોંધણી વગર નોકરી કે સરકારી દસ્તાવેજોમાં વૈવાહિક સ્થિતિ (Marital Status) બદલી શકાશે નહીં.

Related Posts

Load more