અત્યાધુનિક વિમાનો, એરક્રાફ્ટો, હેલિકોપ્ટર… આવતીકાલે વાયુસેનાના કાફલામાં સામેલ થશે નવા સ્વદેશી યુદ્ધ સાથી

By: Nation Gujarat Team
17 Sep, 2026

India Aviation News : ભારતીય સુરક્ષા દળો અને ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મોટો અને ગૌરવપૂર્ણ દિવસ આવી ગયો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) 18 સપ્ટેમ્બર 2026 ના રોજ બેંગલુરુમાં એક ભવ્ય સમારોહ દરમિયાન ભારતીય વાયુસેનાને સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસના ફાઇનલ ઓપરેશનલ ક્લિયરન્સ (FOC) ટ્વિન સીટર ટ્રેનર અને HTT-40 બેસિક ટ્રેનર એરક્રાફ્ટ સત્તાવાર રીતે સુપરત કરશે. આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન કંપની પવન હંસ લિમિટેડને પણ અત્યાધુનિક ધ્રુવ નેક્સ્ટ જનરેશન (NG) હેલિકોપ્ટર સોંપવામાં આવશે. આ કાર્યક્રમ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.

LCA તેજસ ટ્રેનર એરક્રાફ્ટની સોંપણી

આ સમારોહમાં સોંપવામાં આવી રહેલા LCA તેજસના અંતિમ બે ટ્વિન સીટર ટ્રેનર વિમાન સાથે વાયુસેનાના જૂના 40 વિમાનોનો ઐતિહાસિક ઓર્ડર સંપૂર્ણપણે પૂરો થઈ જશે. 2006 અને 2010 માં અપાયેલા આ ઓર્ડરમાં 32 સિંગલ સીટર અને 8 ટ્વિન સીટર વિમાન સામેલ હતા. આ બંને વિમાનો FOC કન્ફિગરેશનમાં છે, જે ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટોને વાસ્તવિક તેજસ ફાઇટર જેવો જ ઉત્કૃષ્ટ તાલીમ અનુભવ આપશે.

HTT-40 બેસિક ટ્રેનર એરક્રાફ્ટની એન્ટ્રી

નવા તાલીમાર્થી પાઇલટોની પ્રારંભિક ફ્લાઇંગ ટ્રેનિંગને સ્વદેશી બનાવવા માટે HTT-40 બેસિક ટ્રેનર એરક્રાફ્ટનો પ્રથમ જથ્થો વાયુસેનાને સુપરત કરવામાં આવશે. HTT-40 સ્વદેશી ટર્બોપ્રોપ ટ્રેનર એરક્રાફ્ટ માટે કુલ 70 વિમાનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. શરૂઆતી એન્જિન સપ્લાયના અવરોધો બાદ હવે તેની સત્તાવાર ડિલિવરી શરૂ થઈ રહી છે, જેનાથી વિદેશી ટ્રેનર એરક્રાફ્ટ પરની ભારતની નિર્ભરતા ઘટશે.

પવન હંસને મળશે ધ્રુવ NG હેલિકોપ્ટર

સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત સિવિલ એવિએશન સેક્ટરને વેગ આપવા માટે પવન હંસ લિમિટેડને અત્યાધુનિક ધ્રુવ નેક્સ્ટ જનરેશન (NG) હેલિકોપ્ટર સોંપવામાં આવશે. પવન હંસ દ્વારા નોંધાવેલા કુલ 10 હેલિકોપ્ટરના ઓર્ડર પૈકી પ્રથમ 4 ચોપર્સ આ કાર્યક્રમમાં સુપરત કરાશે. અત્યાધુનિક ગ્લાસ કોકપિટ અને આધુનિક સુરક્ષા ફિચર્સથી સજ્જ આ હેલિકોપ્ટર્સ દરિયાઈ ઓફશોર કામગીરી, ઇમરજન્સી મેડિકલ સેવાઓ અને મુસાફરોની હેરફેરમાં ઉપયોગી સાબિત થશે.

આત્મનિર્ભર ભારત તરફ એક મોટો પડાવ

ભારત હવે માત્ર સૈન્ય જ નહીં પરંતુ નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે પણ અદ્યતન પ્લેટફોર્મ જાતે ડિઝાઇન, વિકસિત અને નિર્માણ કરવા સક્ષમ બન્યું છે. વિદેશી નિર્ભરતા ઘટાડવાની દિશામાં આ પગલું ઘરેલુ એરોસ્પેસ ઇકોસિસ્ટમને નવી તાકાત આપશે. તેજસ પ્રોગ્રામની આ સિદ્ધિ બાદ હવે મોટા પાયે Mk-1A વિમાનો પણ આવી રહ્યા છે. સ્વદેશી HTT-40 થી પાઇલટ તાલીમ ઘરેલુ બનશે અને ધ્રુવ NG થી નાગરિક ઉડ્ડયન વધુ મજબૂત થશે. 18 સપ્ટેમ્બરનો આ કાર્યક્રમ ભારતને વૈશ્વિક એરોસ્પેસ હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે.


Related Posts

Load more