ગુજરાતની 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન

By: Nation Gujarat Team
17 Aug, 2026

ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને હવે દર મહિને મફત સેનેટરી નેપકીન આપવામાં આવશે. આ યોજના માટે સરકારે રૂ.46.68 કરોડનું બજેટ મંજૂર કર્યું છે.

આ પહેલ હેઠળ દરેક વિદ્યાર્થીની માટે વાર્ષિક રૂ.360ની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. શાળાઓમાં દીકરીઓને ગુણવત્તાયુક્ત ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જળવાય અને દીકરીઓના શાળાકીય શિક્ષણમાં ગેરહાજરી ઘટે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

નેપકીનના સરળ અને સંકોચમુક્ત વિતરણ માટે દરેક શાળામાં મહિલા શિક્ષકને નોડલ શિક્ષકની જવાબદારી સોંપવામાં આવશે. મહિલા શિક્ષક વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે વૈજ્ઞાનિક માહિતી પણ આપશે.

વપરાયેલા નેપકીનના યોગ્ય નિકાલ માટે શાળાઓને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016નું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં ઉપલબ્ધ ઈન્સિનીરેટર મશીન કાર્યરત રહે અને તેની સમયાંતરે સર્વિસ થાય તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે.

સરકારના જણાવ્યા મુજબ આ પહેલથી દીકરીઓના આરોગ્ય અને સ્વચ્છતા ઉપરાંત તેમના શિક્ષણમાં નિયમિતતા વધારવામાં મદદ મળશે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની વિદ્યાર્થીનીઓને તેનો સીધો લાભ મળશે.


Related Posts

Load more