Prashant Kishor Career and Education: બિહારની બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો બાદ ફરી એકવાર જન સુરાજ પાર્ટીના ફાઉન્ડર પ્રશાંત કિશોર (PK) ચર્ચામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની આ પરંપરાગત બેઠક પર ટક્કર આપી રહેલા PK એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનની મોટી કમાન સંભાળી ચૂક્યા છે. વિદેશમાં અભ્યાસ અને શાનદાર નોકરી છોડીને પ્રશાંત કિશોર કેવી રીતે ભારત પાછા ફર્યા અને પછી રાજકારણની પીચ પર ઉતર્યા, તેની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. ચાલો જાણીએ કે, આખરે પ્રશાંત કિશોર અમેરિકા અને આફ્રિકામાં શું નોકરી કરતા હતા અને તેમણે અભ્યાસ ક્યાંથી ક્યો છે.
પ્રશાંત કિશોરે પ્રારંભિક અભ્યાસ ક્યાંથી કર્યો
પ્રશાંત કિશોરે પ્રારંભિક અભ્યાસ બિહારમાં કર્યો હતો. તેમણે બક્સરની સરકારી શાળામાંથી 10મું ધોરણ પાસ કર્યું. ત્યારબાદ પટના સાયન્સ કોલેજમાંથી ઇન્ટરમીડિયેટનો અભ્યાસ પૂરો કર્યો. બાળપણથી જ તેઓ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર માનવામાં આવતા હતા. ખાસ કરીને ગણિતમાં ખૂબ જ સ્ટ્રોન્ગ વિદ્યાર્થી હતા.
PKએ ગ્રેજ્યુએશન અને PG ક્યાંથી કર્યું
ઇન્ટર પછી તેઓ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પહોંચ્યા અને લખનૌ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)નો અભ્યાસ પૂર્ણ કર્યો. અહીંથી તેમના કરિયરની દિશા બદલાવાની શરૂ થઈ. બિઝનેસના અભ્યાસ પછી તેમણે હેલ્થ મેનેજમેન્ટ તરફ પગલું ભર્યું. ગ્રેજ્યુએશન પછી તેમણે હૈદરાબાદની ASCI (Administrative Staff College of India)થી માસ્ટર ઓફ હેલ્થકેર મેનેજમેન્ટ (MHA) કર્યું. આ કોર્સ તે સમયે વૈશ્વિક સંસ્થાઓના સહયોગથી ચલાવવામાં આવતો હતો. આ અભ્યાસે તેમને વૈશ્વિક સ્તરે કામ કરવાની તક અપાવી.
ફ્રાન્સમાં ફ્રેન્ચ ભાષામાં કોર્સ
વર્ષ 2010માં પ્રશાંત કિશોરે ફ્રાન્સની એક યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચ ભાષાનો ઇન્ટેન્સિવ કોર્સ પણ કર્યો. વિદેશી ભાષા શીખવાથી તેમને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરવામાં વધુ મદદ મળી. ત્યારબાદ તેમણે અમેરિકા અને આફ્રિકા જેવા દેશોમાં પણ કામ કર્યું.
પ્રશાંત કિશોર અમેરિકા અને આફ્રિકામાં શું કામ કરતા હતા
રાજકારણમાં આવ્યા તે પહેલા પ્રશાંત કિશોર સંયુક્ત રાષ્ટ્ર (United Nations) સાથે જોડાયેલા પબ્લિક હેલ્થ પ્રોજેક્ટ્સ પર કામ કરી ચૂક્યા છે. તેમણે અમેરિકા અને આફ્રિકાના અનેક દેશોમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કાર્યક્રમો, રસીકરણ, કુપોષણ, માતા અને બાળ સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય યોજનાઓની મોનિટરિંગ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. તેમનું ફોકસ હેલ્થ પોલિસી, ડેટા એનાલિસિસ અને ગ્રાઉન્ડ લેવલ પર યોજનાઓને વધુ સારી બનાવવા પર હતું. આ અનુભવે તેમને ડેટાના આધારે નિર્ણયો લેવાની આદત પાડી, જે પાછળથી ચૂંટણી રણનીતિમાં પણ તેમની સૌથી મોટી તાકાત બની.
UNની નોકરી છોડીને રાજકારણમાં કેમ આવ્યા
સંયુક્ત રાષ્ટ્રમાં તેમની નોકરી સારી માનવામાં આવતી હતી. કરિયર પણ ઝડપથી આગળ વધી રહ્યું હતું. આ દરમિયાન તેમણે ભારતમાં કુપોષણ પર એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યો. આ રિપોર્ટમાં ગુજરાતનો પણ ઉલ્લેખ હતો. કહેવાય છે કે, આ રિપોર્ટ બાદ જ તેમની મુલાકાત તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે થઈ. અહીંથી તેમની જિંદગીમાં નવો વળાંક આવ્યો.
નરેન્દ્ર મોદી સાથે પ્રશાંત કિશોરનું બોન્ડ
પ્રશાંત કિશોરે ગુજરાતમાં ચૂંટણી રણનીતિ પર કામ કરવાનું શરૂ કર્યું. ડેટા, સોશિયલ મીડિયા, ભાષણની તૈયારી અને ચૂંટણી આયોજનમાં તેમણે નવી વિચારસરણી બનાવી. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને પછી 2014ની લોકસભાની ચૂંટણી પછી તેમનું નામ આખા દેશમાં ચર્ચામાં આવી ગયું. ત્યારબાદ તેમની અને નરેન્દ્ર મોદીની બોન્ડની ચર્ચા થવા લાગી.
I-PAC બનાવીને બદલી નાખી ચૂંટણી રણનીતિ
થોડા સમય બાદ તેમણે પોતાની ચૂંટણી રણનીતિ બનાવતી કંપની I-PAC (Indian Political Action Committee)ની શરૂઆત કરી. આના માધ્યમથી તેમણે અલગ-અલગ રાજકીય પક્ષો માટે ચૂંટણી અભિયાન તૈયાર કર્યા. તેમની ટીમે ડેટા, ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પ્રચાર કરવાની રીત ઘણી બદલી નાખી.
પ્રશાંત કિશોરે કયા-કયા નેતાઓ સાથે કર્યું કામ
પ્રશાંત કિશોરે અલગ-અલગ સમયે અનેક મોટા નેતાઓ અને પક્ષો માટે ચૂંટણી રણનીતિ બનાવી. જેમાં નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર, મમતા બેનર્જી, એમ.કે. સ્ટાલિન, જગન મોહન રેડ્ડી, અરવિંદ કેજરીવાલ અને કેપ્ટન અમરિન્દર સિંહ જેવા મોટા નામ સામેલ છે. આ જ કારણથી તેમને દેશના સૌથી સફળ ચૂંટણી રણનીતિકારોમાંથી એક ગણવામાં આવ્યા. ઘણા વર્ષો સુધી બીજા નેતાઓ માટે ચૂંટણી રણનીતિ બનાવ્યા બાદ હવે પ્રશાંત કિશોર પોતે રાજકારણમાં સક્રિય છે.