Team India Head Coach : ઝિમ્બાબ્વે સામે ભારતની 3-0ની T20 શ્રેણીની જીતથી માત્ર ખરાબ પરિણામોનો દોર જ સમાપ્ત થયો નથી, પરંતુ ટીમમાં નવો ઉત્સાહ પણ આવ્યો છે. આયર્લેન્ડ (0-2) અને ઇંગ્લેન્ડ (0-4) સામેની હારથી ટીમ ઇન્ડિયા પર દબાણ આવ્યું હતું. વચગાળાના કોચ વીવીએસ લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ મળેલા આ પરિવર્તનથી ચાહકો પણ ખુશ છે અને નવી ચર્ચાઓ શરૂ થઈ છે. હરારેથી બીસીસીઆઈ દ્વારા ડ્રેસિંગ રૂમનો વીડિયો રિલીઝ થયા બાદ ચર્ચાઓ વધુ તેજ બની છે.
વીડિયોમાં લક્ષ્મણ અને કેપ્ટન શ્રેયસ ઐયર વચ્ચે ભાવુક વાતચીતે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. વીડિયો વાયરલ થતાં જ, ચાહકોએ મીમ્સ અને સરખામણીઓ દ્વારા પરિવર્તનની માંગ કરવાનું શરૂ કર્યું, જેમાં જણાવવામાં આવ્યું કે ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણને ભારતના પૂર્ણ-સમયના હેડ કોચ બનાવવા જોઈએ.
લક્ષ્મણે એવા સમયે જવાબદારી સંભાળી જ્યારે ગંભીર અને સિનિયર કોચિંગ સ્ટાફ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા આરામ પર છે. તેઓ બિનઅનુભવી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેમાં સંજુ સેમસન, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ જેવા ઘણા નિયમિત ખેલાડીઓની ગેરહાજરી હતી. આમ છતાં ભારતે શાનદાર વિજય મેળવ્યો, યુકે પ્રવાસની નિરાશા પછી ટીમને માનસિક રીતે પુનર્જીવિત કરી.
BCCI દ્વારા શેર કરાયેલા વીડિયોમાં લક્ષ્મણે શ્રેયસ ઐયરની ખાસ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, હું શ્રેયસને ખાસ અભિનંદન આપવા માંગુ છું કારણ કે તેની કેપ્ટનશીપ કારકિર્દીની શરૂઆત મુશ્કેલ રહી હતી, પરંતુ તેણે જે રીતે વાપસી કરી છે તે શાનદાર છે. પહેલી મેચના એક દિવસ પહેલા તે અમારી સાથે જોડાયો ત્યારથી જ તે ખૂબ જ ઉત્સાહિત અને સકારાત્મક દેખાતો હતો.
લક્ષ્મણે યુવા ખેલાડીઓથી ભરેલી ટીમમાં આત્મવિશ્વાસ જગાડવા બદલ ઐયરની પ્રશંસા પણ કરી. તેમણે જણાવ્યું કે યુકે પ્રવાસ ટીમના ફક્ત ચાર કે પાંચ ખેલાડીઓ જ આ ટીમનો ભાગ હતા. લક્ષ્મણના મતે આ જીતનો મોટો શ્રેય કેપ્ટનને જાય છે, જેણે દરેક ખેલાડીને પ્રોત્સાહિત કર્યો અને તેમનામાં જીતવાની અટલ શ્રદ્ધા જગાડી.
ઐયરે લક્ષ્મણને શા માટે શ્રેય આપ્યો ?
તો ઐયરે લક્ષ્મણની ભૂમિકાનો સ્વીકાર કર્યો અને જણાવ્યું કે તેમણે ટીમને છેલ્લા પ્રવાસની નિષ્ફળતાઓમાંથી પાછા લાવવામાં કેવી રીતે મદદ કરી. ઐયરે કહ્યું કે થોડા ડ્રોપ કેચ સિવાય, સમગ્ર શ્રેણીમાં ટીમનું પ્રદર્શન બેસ્ટ હતું. લક્ષ્મણનો આભાર માનતા, તેણે ઉલ્લેખ કર્યો કે તેમના શબ્દોએ ટીમને દરેક વખતે મેદાનમાં ઉતરતી વખતે પ્રેરણા આપી.
શું લક્ષ્મણ ખરેખર ગંભીરનું સ્થાન લેશે ?
વાયરલ વીડિયો અને સરખામણી થતાં લક્ષ્મણે પોતે આ અટકળો પર વિરામ મૂક્યો. તેમણે સ્પષ્ટતા કરી કે ઓનલાઈન ચર્ચાનો વાસ્તવિકતામાં કોઈ આધાર નથી. શ્રેણી પછી લક્ષ્મણે કહ્યું કે જ્યારે ગંભીર અને સિનિયર સ્ટાફ વ્યસ્ત ઈંગ્લેન્ડ પ્રવાસ પછી આરામ કરી રહ્યા હતા ત્યારે જ તેમણે પદ સંભાળ્યું હતું.
ટીમ ઈન્ડિયામાં લક્ષ્મણની વાસ્તવિક ભૂમિકા શું છે ?
લક્ષ્મણે જણાવ્યું કે સિનિયર ટીમ માટે સ્ટેન્ડ-ઇન તરીકે સેવા આપવી એ તેની જવાબદારીઓનો એક ભાગ છે. તેમણે કહ્યું કે, જ્યારથી મેં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)ના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી એટલે કે છેલ્લા ચાર વર્ષથી હું આ જવાબદારી પણ નિભાવી રહ્યો છુો. તેમણે સ્પષ્ટતા કરી કે હેડ કોચ અને કેપ્ટન ટૂંક સમયમાં શ્રીલંકામાં આગામી ટેસ્ટ શ્રેણી માટે વાપસી કરશે.