દક્ષિણ ગુજરાતમાં યુદ્ધના ધોરણે માર્ગ પુનઃસ્થાપન કામગીરી, 195 જેસીબી, 86 ટ્રેક્ટર અને 59 ડમ્પર સહિતની ભારે મશીનરીથી કામગીરી

By: Nation Gujarat Team
27 Jul, 2026

વલસાડ: દક્ષિણ ગુજરાતમાં 23 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદને કારણે પાણી ભરાવા, ભેખડ ધસવી તથા અન્ય કારણોસર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ 1,251 રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વરસાદની તીવ્રતા ઘટતાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને પુનઃસ્થાપનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે વિભાગના 145 તાંત્રિક અધિકારી-કર્મચારીઓની ટીમો કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત 195 જેસીબી, 86 ટ્રેક્ટર અને 59 ડમ્પર સહિતની ભારે મશીનરીની મદદથી રસ્તાઓ પર ભરાયેલા પાણી દૂર કરવા તેમજ માર્ગોને વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવ્યાનુસાર સમગ્ર પરિસ્થિતિની સતત દેખરેખ અને અસરકારક સંકલન સુનિશ્ચિત કરવા માટે વિભાગ દ્વારા ગાંધીનગરથી મુખ્ય ઇજનેર (દ.ગુ) તથા વિભાગના ખાસ પરના અધિકારીને વલસાડ ખાતે 24 જુલાઈના રોજથી ખાસ તહેનાત કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચાલી રહેલી રાહત અને પુનઃસ્થાપન કામગીરીનું વલસાડ જિલ્લાથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે.

વિભાગની સઘન અને ઝડપી કામગીરીના પરિણામે અત્યાર સુધીમાં 875 રસ્તાઓ પર વાહન વ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિ મુજબ રાજ્ય સરકાર હસ્તકના 8 રસ્તાઓ તથા પંચાયત વિભાગ હસ્તકના 368 રસ્તાઓ હજુ વાહનવ્યવહાર માટે બંધ છે. આ તમામ માર્ગો પર રિસ્ટોરેશન તથા મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રસ્તાઓ પરથી પાણી ઓસરતાં જ બાકીના તમામ માર્ગો પણ તબક્કાવાર વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવશે. અસરગ્રસ્ત માર્ગોને વહેલી તકે વાહનવ્યવહાર માટે કાર્યરત કરવા વિભાગની તમામ ટીમો જરૂરી તમામ મશીનરી, મેનપાવર તેમજ અન્ય સંસાધનો સાથે સતત ખડેપગે હાજર રહી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

લોકોની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત આલેખન માર્ગ અને મકાન વર્તુળના તાંત્રિક નિષ્ણાતોની ભવનો માટે 3 અને પુલો માટે 3 એમ કુલ 6 વિશેષ ડિઝાઈન ટીમો દક્ષિણ ગુજરાતના ત્રણેય જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. આ ટીમો પુલો તથા અન્ય સરકારી ઈમારતોની સ્થિરતા (સ્ટેબિલિટી)ની ચકાસણી કરી સ્થાનિક અધિકારીઓને જરૂરી તકનીકી માર્ગદર્શન અને સહાય પૂરી પાડી રહી છે.

વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નજીકના જિલ્લાઓમાંથી વધારાના 18 અધિકારી/કર્મચારીઓને ખાસ ફરજ પર નિયુક્ત કરી ફ્લડ રિસ્ટોરેશન કામગીરી માં જોડવામાં આવ્યા છે, જેથી પુનઃ સ્થાપન કામગીરી વધુ ઝડપથી પૂર્ણ કરી શકાય.

રાહત અને પુનઃસ્થાપન કામગીરી દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયતના પ્રમુખો તેમજ અન્ય આગેવાનોને કામગીરી અંગે સતત માહિતગાર કરવામાં આવ્યા છે. અનેક સ્થળોએ જનપ્રતિનિધિઓ સાથે વિભાગના અધિકારીઓએ સંયુક્ત મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી છે તથા જરૂરી માર્ગદર્શન મુજબ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાકીના તમામ અસરગ્રસ્ત રસ્તાઓ પર પણ ઝડપથી રિસ્ટોરેશન તથા મરામતની કામગીરી પૂર્ણ કરીને ટૂંક સમયમાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે પૂર્વવત્ કરવામાં આવશે. રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખી જરૂરી કામગીરી સુનિશ્ચિત કરી રહી છે.


Related Posts

Load more