અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવાની છે, ત્યારે આ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના રાજકીય માહોલને લઈને મહત્વપૂર્ણ બેઠકો યોજવાના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ બપોરે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પહોંચશે. અહીં બપોરે 3:30 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી સરકાર અને સંગઠનના અગ્રણી નેતાઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આગામી સમયના આયોજન અને સંગઠનાત્મક બાબતો અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.
‘કમલમ’ ખાતે યોજાનારી આ બેઠકો બાદ, અમિતભાઈ શાહ વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમોમાં પણ વિશેષ હાજરી આપશે અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપશે. દિવસભરના વ્યસ્ત કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મોડી સાંજે તેઓ પરત દિલ્હી જવા રવાના થશે. રથયાત્રાના દિવસે ગૃહ મંત્રીની આ મુલાકાત રાજકીય વર્તુળોમાં ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.