Navsari : સામાન્ય વરસાદમાં જ મુખ્ય રસ્તા પર 8 થી 10 ફૂટ ઊંડો ભુવો પડયો, વિકાસના નામે ભ્રષ્ટાચારનો ખેલ!

By: Nation Gujarat Team
02 Jul, 2026

Navsari : ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તો પણ રોડ બેસી જવાની ઘટના બનતી હોય છે. કયારેક રોડ પરની કપચી ઉખડી જાય તો કયારેક વગર વરસાદે પણ ભૂવા પડતા હોવાની વાત સામે આવી છે, નવસારીના મીથીલાનગરીમાં ડ્રેનેજના નબળા કામના કારણે રોડ બેસી જતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે.

નવસારી મહાનગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી

નવસારીના મીથીલાનગરી વિસ્તારમાં મહાનગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે. GUDC હેઠળ કરાયેલા ડ્રેનેજના નબળા કામને કારણે રોડ બેસી ગયો છે અને સામાન્ય વરસાદમાં જ મુખ્ય રસ્તા પર 8 થી 10 ફૂટ ઊંડો ભુવો પડતાં સ્થાનિકો ચિંતિત બન્યા છે.

રહેણાંક વિસ્તારનો મુખ્ય માર્ગ હોવાથી વાહનચાલકો પર અકસ્માતનું મોટું જોખમ સેવાઈ રહ્યું છે અને સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર, અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માગ કરી છે.

રસ્તા વચ્ચે મોતનો ખાડો!

તો સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બાબતે તંત્રને પણ જાણ કરી છે તેમ છત્તા રોડ પર કોઈ બેરિકેટ મૂકવામાં આવ્યું નથી અને લોકો અવર-જવર કરી રહ્યાં છે, કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર રહેશે તેને લઈ સ્થાનિકોએ સવાલ ઉભા કર્યા છે. નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશ જરા રોડ પર આવીને આ જુઓ શું તમે પ્રિ-મોન્સૂન કામગીરી ખાલી કાગળ પર જ રાખી છે? નાગરિકો ટેકસ ભરે છે પણ સુવિધાના નામે મીડું જોવા મળ્યું એવું જ થયું ને?


Related Posts

Load more