ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતીમાં લેખિત પરીક્ષામાંથી મુક્તિ:

By: Nation Gujarat Team
10 Oct, 2026

ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગમાં ભરતી માટે રાજ્ય સરકારે વધુ એક મોટી રાહત આપી છે. ગૃહ વિભાગે 9 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરેલા સુધારા નિયમો મુજબ હવે ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં લેવાશે. રાજ્ય સરકારે 17 જુલાઈ, 2026ના રોજ જાહેર કરેલા મૂળ નિયમોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જોગવાઈ કરી હતી. આ અનામત ગુજરાતના વતની, મૂળ નિવાસી અથવા કાયમી રહેવાસી એવા ભૂતપૂર્વ અગ્નિવીરોને લાગુ પડશે, જેમણે ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી અથવા એરફોર્સમાં અગ્નિવીર તરીકે સેવા પૂર્ણ કરી હોય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણીમાં લાયક ઠરે.ગૃહ વિભાગે જાહેર કરેલા નવા સુધારા દ્વારા મૂળ નિયમોમાં નિયમ 5 પછી નિયમ 5A ઉમેરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ સીધી ભરતીની પ્રક્રિયામાં ભૂતપૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સુધારો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે.

આ નિર્ણયથી થનારા લાભ અંગે વાત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “દેશની સુરક્ષા માટે યુવાન કાળમાં સીમાઓ ઉપર જે અગ્નિવીરોએ રાત-દિવસ કામ કર્યું હોય, તે પોલીસ બેડાને મજબૂત કરવામાં ગુજરાત પોલીસના ખભે ખભા મિલાવીને આવનારા દિવસોમાં કામ કરવા માટે મદદગાર થઈ શકશે.” તેમણે ઉમેર્યું હતું કે સરહદ પર કઠોર પરિસ્થિતિઓમાં ફરજ બજાવી ચૂકેલા યુવાનોના અનુભવનો સીધો લાભ રાજ્યની કાયદો-વ્યવસ્થાને મળશે. આ ભરતીના નિયમો, યોગ્યતા અને શરતો અંગે સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ (GR) અને પ્રેસનોટ મારફતે સમગ્ર સ્પષ્ટતા જાહેર કરવામાં આવશે. અન્ય રાજ્યના કે ગુજરાતના અગ્નિવીરોની પાત્રતા સહિતની તમામ વિગતો સરકાર દ્વારા બહાર પાડવામાં આવનાર સરકારી ઠરાવમાં સ્પષ્ટ કરી દેવાશે. દેશની રક્ષા કાજે સમર્પિત રહેલા અગ્નિવીરો હવે ગુજરાત પોલીસ બેડાને વધુ મજબૂત અને સજ્જ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

વયમર્યાદામાં પણ છૂટછાટ

મૂળ નિયમો મુજબ ભૂતપૂર્વ અગ્નિવીરોને ભરતી માટેની મહત્તમ વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ મળશે. જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવાની જોગવાઈ છે. આ જોગવાઈમાં 9 ઓક્ટોબરના સુધારા દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.મૂળ નિયમોના પરિશિષ્ટ મુજબ ગૃહ વિભાગ હેઠળની નિર્ધારિત જગ્યાઓમાં સશસ્ત્ર પોલીસ સબ ઈન્સ્પેક્ટર, સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ, SRPF પ્લાટૂન કમાન્ડર, SRPF પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ વિભાગની કેટલીક જગ્યાઓનો સમાવેશ થાય છે.આમ, ગુજરાત સરકારના આ સુધારાથી ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતીમાં 20 ટકા અનામત, શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ, લેખિત પરીક્ષામાંથી મુક્તિ અને વયમર્યાદામાં છૂટછાટનો લાભ મળશે. જો કે, ઉમેદવારોએ ભરતીના લાગુ પડતા અન્ય નિયમો અને જરૂરી લાયકાતની શરતો પૂર્ણ કરવાની રહેશે.


Related Posts

Load more