ગાંધીનગર: S G હાઇવે પર નશામાં ધૂત નબીરાઓનો આતંક: એક પછી એક 4 વાહનો વચ્ચે અકસ્માત અને ભીષણ આગ

By: Nation Gujarat Team
26 Jun, 2026

Gandhinagar SG Highway Accident: ગાંધીનગરના એસ.જી. હાઇવે પર સરગાસણ બ્રિજ નજીક ગત રાત્રે નશામાં ધૂત નબીરાઓએ બેફામ ગાડીઓ દોડાવીને ભારે આતંક મચાવ્યો હતો. દારૂના નશામાં ચૂર એક નબીરાએ કાર પરથી કાબૂ ગુમાવતા એક પછી એક એમ ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ રફતારના રોમાંચે હાઇવે પર દોડતા અન્ય વાહનચાલકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા.

અકસ્માત બાદ કાર બળીને ખાખ

ઘટનાની વિગત મુજબ, સરગાસણ બ્રિજ નજીક ફૂલ સ્પીડમાં આવી રહેલી કારચાલકે આગળ જઈ રહેલી ઇલેક્ટ્રિક કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે EV કાર ફંગોળાઈને તેની આગળ ચાલતી ટોયોટા ઈનોવા કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં અન્ય એક વાહન પણ લપેટામાં આવી ગયું હતું, જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટક્કર વાગ્યાની ગણતરીની મિનિટોમાં જ અકસ્માત સર્જનાર કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતાં મોટો અનર્થ ટળ્યો હતો. જોકે, આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અકસ્માત અંગે ગાંધીનગર ટ્રાફિક પીઆઈ પી. પી. પરમારે જણાવ્યું હતું કે, ‘અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ તુરંત હાઇવે પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત અને નશાખોર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની બાબત સ્થાનિક પોલીસ (લોકલ પોલીસ સ્ટેશન) સંભાળી રહી છે અને તેઓ આગળની તપાસ કરી રહ્યા છે.’

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ક્રેટામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related Posts

Load more