Mehsana BJP viral audio: ગુજરાત ભાજપમાં ફરી એકવાર આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે મહેસાણા ભાજપના જ કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં રાજકારણમાં ભારી ખળભળાટ મચી ગયો છે. આ ઓડિયોમાં કોર્પોરેટર નીતિન પટેલ માટે બેફામ અપશબ્દો બોલી રહ્યા છે અને તેમની રાજકીય કારકિર્દી પોતે જ ખતમ કરી હોવાની મોટી-મોટી ડંફાસ મારી રહ્યા છે. આ મામલો ગરમાતા હવે નીતિન પટેલે પણ મેદાનમાં આવીને પક્ષના મોવડીમંડળ પાસે પુરાવાઓ સાથે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ચંદ્રકાંત પટેલ અને ભાજપના એક કાર્યકર વચ્ચેની આ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જેમાં વારંવાર ગંદી ગાળો અને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાતચીત દરમિયાન ચંદ્રકાંત પટેલે દાવો કર્યો છે કે, પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે જ ઊભું કર્યું હતું અને આ વાતના પુરાવા તેમણે છેક રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડ્યા હતા. તેમના આ પુરાવાના કારણે જ નીતિન પટેલને પાર્ટીમાં કોઈ મોટું પદ ન મળ્યું. ઓડિયોમાં ચંદ્રકાંત પટેલ એવી પણ શેખી મારી રહ્યા છે કે, “મેં જ નીતિન પટેલનું પિક્ચર પૂરું કરી નાખ્યું છે અને ભાજપ તેમને ક્યારેય કોઈ રાજ્યના રાજ્યપાલ પણ નહીં બનાવે.”
નીતિન પટેલે મૌન તોડ્યું, 5 વર્ષ જૂનો ભાંડો ફોડ્યો
આ વિવાદિત ઓડિયો વાયરલ થયા બાદ નીતિન પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ચંદ્રકાંત પટેલ નામના વ્યક્તિએ મારા માટે જે અપશબ્દો બોલ્યા છે, તે મેં સાંભળ્યા છે.” તેમણે વધુ એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, ગઈકાલે જ તેમને 5 વર્ષ જૂનો વધુ એક ઓડિયો મળ્યો છે. આ 5 વર્ષ જૂના ઓડિયોમાં આ જ વ્યક્તિ ભાજપના પોતાના જ ઉમેદવારને હરાવવાની વાત કરી રહ્યો છે. નીતિનભાઈએ સ્પષ્ટ કર્યું કે ચંદ્રકાંત પટેલ સાથે તેમને કોઈ અંગત અદાવત નથી, ઊલટાનું ભૂતકાળમાં તેમણે ચંદ્રકાંતભાઈને તેમના વ્યવસાયમાં મદદ કરી હતી.
હાઈકમાન્ડને પુરાવા સોંપ્યા, કડક એક્શનની માગ
નીતિન પટેલે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. તેમણે પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રભારી સહિતના પક્ષના મોવડીમંડળને આ બંને ઓડિયો ક્લિપના પુરાવા સોંપી દીધા છે. તેમણે માંગ કરી છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવાના આવા હલકા કૃત્યો સામે પગલાં લેવાવા જોઈએ. પક્ષ વિરોધી કામગીરી કરનાર અને અપશબ્દો બોલનાર આ વ્યક્તિ સામે તાત્કાલિક શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નીતિન પટેલે રજૂઆત કરી છે.