Surat BJP Leader Murdered: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે.
સંગીતા પાટીલની નજીકનો કાર્યકર
મૃતક જય દલાલ સુરતના લીંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો.
ભાજપના જ નેતાની ધોળા દિવસે હત્યા
સત્તાધારી પક્ષના જ એક યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થઈ જતાં સમગ્ર સુરત ભાજપ અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી છે. ધોળા દિવસે થયેલી આ હત્યાને પગલે સામાન્ય જનતામાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત સુરતની કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે.