ગુજરાતી સિનેમા જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ જાણીતી એક્ટ્રેસ નેહલ વડોલિયાએ તાજેતરમાં ચર્ચામાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના લીડ એક્ટર કરણ જોષી પર અત્યંત ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નેહલનો આરોપ છે કે કરણ જોષી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર તેને અત્યંત વાંધાજનક, અભદ્ર અને બીભત્સ મેસેજ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે એક્ટ્રેસ નેહલ વડોલિયાએ મૌન તોડતા કરણ જોષી સાથેની ચેટના કથિત સ્ક્રીનશોટ અને તમામ વિગતો સાથેનો એક ખાસ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયુવેગે ફેલાઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર કલાકારની આવી કથિત કરતૂત સામે આકરી આલોચના કરી રહ્યા છે અને ઈન્ડસ્ટ્રીમાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે. અંદાજિત દોઢ કલાક બાદ એક્ટ્રેસે આ વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધો પણ તે પહેલા વીડિયો ડાઉનલોડ થઈ સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા અંદાજિત પાંચ મિનિટના આ વીડિયોમાં એક્ટ્રેસ નેહલ વડોલિયાએ અત્યંત ચોંકાવનારા ખુલાસો કર્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ ગંભીર આરોપ લગાવતા કહી રહી છે કે, એક્ટર કરણ જોષી દ્વારા સોશિયલ મીડિયા પર તેની પાસે અત્યંત બીભત્સ અને ‘ગંદી માગ’ કરવામાં આવી હતી. જોકે, જ્યારે એક્ટ્રેસે આ પ્રકારના મેસેજ સામે સખત વાંધો ઉઠાવ્યો, ત્યારે એક્ટરે પલટી મારી લીધી હતી અને બહાનું બનાવતા જણાવ્યું હતું કે આ હરકત તેના કોઈ મિત્રએ કરી છે, જેની તેને કોઈ જાણ નહોતી. વીડિયોના અંતમાં મામલો વધુ ગંભીર ત્યારે બને છે જ્યારે એક્ટ્રેસ રડતાં-રડતાં એક્ટર કરણ જોષીને મોકલેલી એક ઓડિયો વોઈસનોટ પણ સંભળાવી રહી છે, જેમાં તેની પીડા અને આક્રોશ સાંભળી શકાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે આખો વિવાદ વધુ ગરમાયો છે.
કરણ જોષી પર ગંભીર આરોપ કરનાર એક્ટ્રેસ નેહલ વડોલિયા જાણીતો ચહેરો છે. તેણે લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા જીની ફ્રેન્ડ ‘નેહા’નું પાત્ર ભજવ્યું હતું અને તે એપિસોડ 2896માં નજરે પડી હતી. આ સિવાય નેહલ OTT પ્લેટફોર્મ પર ‘ગંદી બાત 3’, ‘જૂલી’, ‘મસ્તરામ’, ‘ટાઈપરાઈટર’, ‘મિસ્ટ્રી ગર્લ્સ’, ‘દુનાલી’ અને ‘અમર પ્રેમ’ જેવા બોલ્ડ અને ચર્ચિત પ્રોજેક્ટ્સમાં પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી ચૂકી છે.
‘એકાઉન્ટ હેક’ થવાનું બહાનું કે સત્ય?
બીજી તરફ, અમુક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિવાદ થોડો જૂનો મામલો છે. આ પૂર્વે જ્યારે આ વિવાદ સામે આવ્યો હતો ત્યારે એક્ટર કરણ જોષી તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને આ મેસેજ તેણે નથી કર્યો. જોકે, એક્ટરનો આ દાવો કેટલો સાચો છે અને એકાઉન્ટ ખરેખર હેક થયું હતું કે નહીં, તેની કોઈ સત્તાવાર પૃષ્ટિ થઈ શકી નથી.
(સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ વીડિયો, ચેટના સ્ક્રીનશોટ અને આક્ષેપો અંગે nationgujarat.com કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી.)