Vadodara News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે એક તરફ ભાજપ સેન્સ પ્રક્રિયા દ્વારા દાવેદારોને સાંભળવાનું કામ કરી રહી છે. હજુ ઉમેદવારોની જાહેરાત થઈ નથી. તે વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં સમુજી અંદાજમાં ધારાસભ્ય કહી રહ્યા છે કે જે ઉમેદવાર જય શ્રીરામ બોલશે તેને મારા આશીર્વાદ છે. પણ જે ઉમેદવારને જય શ્રીરામ બોલવામાં તકલીફ હોય તેને હનુમાનજી પરચો દેખાડશે.
ચૂંટણી ટાણે જ રામ નામના નારાની ગૂંજ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતા જ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. વડોદરાના વોર્ડ નંબર 5 માં આયોજિત કાર્યક્રમમાં શૈલેષ મહેતાએ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે જે ઉમેદવારને ‘જય શ્રી રામ’ બોલવામાં તકલીફ પડતી હોય, તેનું તમે (મતદારો) ‘જય શ્રી રામ’ કરી નાખજો.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે ઉમેદવારો ‘જય શ્રી રામ’ ના નાદ સાથે સંકળાયેલા છે અને હિન્દુત્વની વિચારધારામાં માને છે, તેઓ જંગી બહુમતીથી જીતે તેવા મારા આશીર્વાદ અને શુભેચ્છાઓ છે.
વોર્ડ નં. 5 નું રાજકીય સમીકરણ
ધારાસભ્ય શૈલેષ મહેતાનું આ નિવેદન ખાસ કરીને વોર્ડ નંબર 5 ના સંદર્ભમાં ઘણું મહત્વનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં આ વોર્ડનું પરિણામ મિશ્ર રહ્યું હતું. કુલ 4 બેઠકોમાંથી 2 બેઠકો કોંગ્રેસ પાસે ગઈ હતી. બાકીની 2 બેઠકો ભાજપ પ્રેરીત અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. આ સમીકરણોને જોતા આગામી ચૂંટણીમાં ભાજપ આ વોર્ડ પર પોતાનો સંપૂર્ણ કબજો જમાવવા માંગે છે, જેના ભાગરૂપે જ ધારાસભ્યએ અત્યારથી જ મતદારોનો મિજાજ પારખવાનો પ્રયાસ કર્યો છે.