ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી:ધમકીભર્યો મેઈલ મળ્યો,

By: Nation Gujarat Team
18 Mar, 2026

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેઇલ મળતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા છે. હાલ વિધાનસભાને ખાલી કરાવાઈ રહી છે. હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન ધમકીભર્યો મેઇલ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થયેલું બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે.

 

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઇમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે, તે પૂર્વે જ આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી ગઇ છે

આજે સવારે 9 વાગ્યે મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ આખા સંકુલને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર ગાંધીનગરમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

 


Related Posts

Load more