સુરત મનપાના ડમ્પરે કેમિસ્ટને કચડ્યો, માથું છૂંદાઈ જતાં મોત:મેડિકલ સ્ટોર બંધ કરી ઘરે જતો હતો ને અડફેટે લીધો,

By: Nation Gujarat Team
03 Mar, 2026

સુરત શહેરમાં બેફામ દોડતા ભારે વાહનો માસૂમ નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં રવિવારે(1 માર્ચ) રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા એક ડમ્પરના ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી મેડિકલ સ્ટોર બંધ કરીને ઘરે જઈ રહેલા 34 વર્ષીય કેમિસ્ટને અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં યુવકના માથા પર ટાયર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

મેડિકલ સ્ટોર બંધ કરી ઘરે જતી વખતે કાળ ભેટ્યો મળતી વિગત અનુસાર, મૃતક લવલેશ અરવિંદ કુમાર (ઉં.વ. 34) વ્યવસાએ કેમિસ્ટ હતા અને પોતાનો મેડિકલ સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. રવિવારની રાત્રે તેઓ પોતાની બર્ગમેન મોપેડ (GJ-05-TV-2549) પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતાં. ત્યારે વિનાયકનગર, ઉધના સામેના જાહેર રોડ પર અશોક લેલેન્ડ કંપનીના ડમ્પર (GJ-05-GV-3079)ના ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

ડમ્પરનું ટાયર માથા પર ફરી વળતાં છૂંદાઈ જતાં મોત અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતા જ લવલેશભાઈ રોડ પર પટકાયા હતા. ડમ્પરની ગતિ એટલી વધારે હતી કે ચાલક બ્રેક મારે તે પહેલાં જ ડમ્પરનું પાછળનું વ્હિલ લવલેશભાઈના માથાના ભાગે ફરી વળ્યું હતું. માથું છુંદાઈ જવાને કારણે લોહીલુહાણ હાલતમાં તેમનું તે ક્ષણે જ મૃત્યુ થયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી લવલેશભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તેઓ પોતાના પાછળ બે નાના બાળકો અને પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે. એક હસતો-ખેલતો પરિવાર સુરત મનપાના કોન્ટ્રાક્ટરના ડમ્પર ચાલકની બેદરકારીનો ભોગ બન્યો છે. મોડી રાત્રે ઘરે પરત ફરવાની રાહ જોતા પરિવારને જ્યારે મોતના સમાચાર મળ્યા ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું હતું.

પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી આ ઘટના અંગે ઉધના પોલીસને રાત્રે 1 વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા રાત્રે 1.20 વાગ્યે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિજય નિનામાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડમ્પર પાલિકાના કોન્ટ્રાક્ટમાં જોડાયેલું હતું, જે રોડ પર જોખમી રીતે હંકારવામાં આવી રહ્યું હતું

ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મૃતકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે અશોક લેલેન્ડ ટ્રક નંબર GJ-05-GV-3079 ના ચાલક વિરુદ્ધ ગફલતભરી રીતે વાહન હંકારી મોત નીપજાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. પીએસઓ મનીષભાઈએ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ પી.પી. ખટાણાને સોંપી છે. હાલ પોલીસે બી.એન.એસ. ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરીને ડમ્પર જપ્ત કરવાની તજવીજ શરૂ કરી છે.


Related Posts

Load more