ગર્લફ્રેન્ડના પિતાએ કિશોરને રૂમમાં બંધ કરી દીધો, 12માં ધોરણમાં ભણતા બોયફ્રેન્ડે ડરમાં ટૂંકાવ્યું જીવન!

By: Nation Gujarat Team
02 Mar, 2026
ગાંધીનગર: શહેરમાં કિશોરાવસ્થાના પ્રેમપ્રકરણનો કરુણ અંત આવ્યો છે. 15 વર્ષની વિદ્યાર્થિની ઘરે એકલી હોવાનું જાણીને 17 વર્ષીય વિદ્યાર્થી તેના ઘરમાં પ્રવેશ્યો હતો. આ દરમિયાન યુવતીના પિતા અચાનક ઘરે આવી પહોંચ્યા હતા. જેથી ડરના માહોલમાં યુવકે રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટના મામલે ચિલોડા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
કિશોર-કિશોરી બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા

પોલીસ માહિતી મુજબ, ચિલોડા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં સામસામે રહેતા બે પરિવારોના સંતાનો એક જ શાળામાં અભ્યાસ કરતા હતા. 15 વર્ષની કિશોરી ધોરણ 10માં અને 17 વર્ષીય કિશોર ધોરણ 12માં અભ્યાસ કરતા હતા. બંનેની બોર્ડ પરીક્ષાઓ ચાલુ છે. પાડોશી અને સહઅભ્યાસી હોવાના કારણે બંને વચ્ચે મિત્રતા વધી હતી અને કુમળી વયમાં પ્રેમપ્રકરણ પાંગર્યું હતું. આ સંબંધ અંગે થોડા સમય પહેલાં વાત બહાર આવતા કિશોરીના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે કિશોર તેને ફરીથી નહીં મળે તે અંગેની ખાતરી અપાઈ હતી. ત્યારબાદ કિશોરી પર પણ પરિવારે નિયંત્રણો લાદ્યા હતા. જેથી બંનેનો સંપર્ક ઘટ્યો હતો.
કિશોરીની માતા બીમાર હતી

ઘટનાના દિવસે કિશોરીની માતા બીમાર હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ હતી અને પિતા પણ તેમની સાથે હોસ્પિટલ ગયા હતા. કિશોરી ઘરે એકલી હોવાનું જાણીને યુવક ઘરમાં ઘૂસ્યો હતો. પરંતુ થોડા સમયમાં જ પિતા પરત ફરી આવતા યુવતી ગભરાઈ ગઈ હતી. તપાસ કરતા રૂમમાં યુવક મળી આવ્યો હતો. પિતાએ ઠપકો આપીને યુવકના સગાને જાણ કરી અને બહારથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.
થોડા સમય પછી યુવકના સગા ત્યાં પહોંચ્યા અને દરવાજો ખોલતા અંદર 17 વર્ષીય યુવક પંખે સાડી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો. ઘટનાથી બંને પરિવારોમાં શોક છવાઈ ગયો છે. ચિલોડા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને પરિજનોના નિવેદનો નોંધ્યા છે. હાલ પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. બોર્ડ પરીક્ષાઓ દરમિયાન બનેલી આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

Related Posts

Load more