અમદાવાદ: પોલીસકર્મી હોવાની નકલી ઓળખ આપીને રૂપિયા પડાવનાર ગઠિયાની ધરપકડ

By: Nation Gujarat Team
28 Feb, 2026
અમદાવાદ: શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખ આપી એક ગઠિયાએ જેલમાં બંધ આરોપીને જેલમાંથી છોડાવવાનું કહીને તેના પરિવારજનો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે હાલ એક મહિલાએ રૂપિયા 6 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેનો પતિ હાલ એક કેસમાં મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. જેથી તેને જલદીથી મુક્ત કરાવવાની લાલચે પોલીસ કર્મચારી અને ક્રાઇમબ્રાન્ચમાં ફરજ બજાવતો હોવાની ઓળખ આપી પરેશ ચૌહાણ નામના શખ્સ તેને મળ્યો હતો અને રૂપિયા 6 લાખ પડાવી લીધા હતા. જોકે છ લાખ રૂપિયા આપ્યા બાદ પણ તેનો પતિ જેલમાંથી ન છૂટતા સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી.
બાદમાં રામોલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરીને આ ગઠિયો હકીકતમાં પોલીસ વિભાગમાં નોકરી છે કે કેમ તે અંગેની ખરાઈ કરી હતી. તો આરોપી પરેશ પોલીસ કર્મચારી ન હોવા છતાં પોલીસ તરીકે ઓળખ આપી હોવાનું અને તે મહેમદાવાદના કૈલાશપુરાના રહેવાસી હોવાનું ખુલ્યું હતું અને તેણે મહિલા સાથે ઠગાઈ કરી હોવાની વાત પણ સાચી પડી હતી.
જોકે બાદમાં આ રૂપિયા બાબતે તેને મહિલા સાથે સમાધાન પણ થઈ ગયું હતું. નોટરી રાઈઝ સમાધાન કરાર કરીને તેના બદલામાં બેંકના ચેક પણ આપ્યા હતા. પરંતુ આરોપી પરેશ વિરુદ્ધમાં અગાઉ નડિયાદમાં પણ આ રીતે બનાવટી પોલીસ તરીકે ગુનો નોંધાઈ ચૂક્યો હોવાની માહિતી સામે આવી હોવાથી રામોલ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તેની નકલી પોલીસ ઓફિસર તરીકે ઓળખ આપી હોવાના ગુનામાં ધરપકડ કરી છે અને આ ગઠિયાએ અગાઉ આ રીતે કેટલા લોકો પાસે છેતરપિંડી કરી છે અને ક્યાં ક્યાં કારણોસર રૂપિયા પડાવ્યા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Related Posts

Load more