હિંમતનગર પાલિકાનો ‘શાહી’ અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની પસંદગી

By: Nation Gujarat Team
27 Feb, 2026

Himmatnagar Municipal Budget: સાબરકાંઠા સામાન્ય રીતે નગરપાલિકાના બજેટની ગંભીર ચર્ચાઓ પાલિકાના સભાખંડમાં થતી હોય છે, જ્યાં શહેરના વિકાસના રોડમેપ તૈયાર થાય છે. પરંતુ હિંમતનગર નગરપાલિકાએ એક વિવાદ છેડ્યો છે. પાલિકાનું આગામી બજેટ રજૂ કરવા માટે શહેરના સભાખંડને પડતો મૂકી, શહેરથી 35 કિલોમીટર દૂર એક આલીશાન ખાનગી રિસોર્ટની પસંદગી કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે.

હિંમતનગર નગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષનું બજેટ તૈયાર કરવા માટે એક ખાનગી રિસોર્ટ બુક કરવામાં આવ્યું હતું. આ રિસોર્ટના એક દિવસનું ભાડું અંદાજે 28,500 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. મિટિંગ હોલની સુવિધા સાથે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકાના પ્રમુખ, હોદ્દેદારો અને કર્મચારીઓ પાલિકાની કચેરી છોડીને રિસોર્ટના મહેમાન બન્યા હતા.

શહેરની જનતા જ્યારે માંડ-માંડ ટેક્સ ભરી રહી છે અને પાયાની સુવિધાઓ માટે ઝઝૂમી રહી છે, ત્યારે સત્તાધીશોની આ પ્રકારની સાહ્યબી સામે આકરા સવાલો ઊઠી રહ્યા છે. લોકોમાં રોષ છે કે, સામાન્ય માણસના ખિસ્સામાંથી ટેક્સ પેટે લેવાતા નાણાંનો ઉપયોગ શહેરના રસ્તા, પાણી કે સફાઈ માટે થવો જોઈએ, નહીં કે નેતાઓના જલસા માટે.

વિરોધ છતાં સત્તાધીશો મક્કમ

વિરોધ પક્ષ અને જનતાના આક્રોશ છતાં પાલિકાના સત્તાધીશો પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહ્યા છે. કેટલાક કોર્પોરેટરોએ ખાનગીમાં વિરોધ નોંધાવ્યો હોવા છતાં, બહુમતી સભ્યો આ ‘રિસોર્ટ પોલિટિક્સ’ અને વૈભવી બેઠકનો હિસ્સો બન્યા હતા. હિંમતનગરના રાજકીય આલમમાં આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


Related Posts

Load more