ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ

By: Nation Gujarat Team
24 Feb, 2026

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ જ મહિને દિલ્હી પહોંચશે. આ મુલાકાત એવા સમયે અત્યંત મહત્વની માનવામાં આવે છે જ્યારે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને વેપારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની મળીને બંને દેશોના સંબંધોનું ‘રીસેટ બટન’ દબાવશે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચે જે ખટાશ અને કડવાશ પેદા થઈ હતી, તે હવે મિત્રતામાં પરિણમે તેવી શક્યતા છે. નિષ્ણાતોનું મંતવ્ય છે કે, કાર્નીના આ પગલાથી ભારતના ડિફેન્સ (રક્ષણ) અને ટેકનોલોજી સેક્ટર માટે પ્રગતિના નવા દ્વારા ખુલી શકે છે.

ભારત-કેનેડા વચ્ચેની મહત્વની ડીલ્સ

માર્ક કાર્ની 26 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2026 સુધી ઇન્ડો-પેસિફિક પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ 26 ફેબ્રુઆરીએ ભારત આવશે. તેઓ પોતાની ભારત મુલાકાતની શરૂઆત મુંબઈથી કરશે. જ્યાં તેઓ દેશના મોટા બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. તેમનો હેતુ કેનેડામાં ભારતીય રોકાણને પ્રોત્સાહન આપવાનો અને બંને દેશોની કંપનીઓ વચ્ચે ભાગીદારી મજબૂત કરવાનો રહેશે. ત્યારબાદ તેઓ નવી દિલ્હી પહોંચશે, જ્યાં વડાપ્રધાન મોદી સાથે તેમની દ્વિપક્ષીય વાતચીત થશે.

બંને દેશો વચ્ચે 5 મોટી ડીલ્સની શક્યતા

યુરેનિયમ અને ન્યુક્લિયર એનર્જી ડીલ

ભારતની ક્લીન એનર્જી અને વધતી જતી વીજ જરૂરિયાતોને પૂરી કરવા માટે આ સૌથી મોટી ડીલ હોઈ શકે છે. અહેવાલો અનુસાર, કેનેડાની કંપની ‘કમેકો’ ભારતને આગામી 10 વર્ષ સુધી યુરેનિયમ સપ્લાય કરવા માટે લગભગ 2.8 બિલિયન ડોલર (આશરે ₹23,000 કરોડ) ના કરાર પર હસ્તાક્ષર કરી શકે છે.

CEPA: મહા-વેપાર સમજૂતી

સૌથી વધુ ચર્ચા ‘કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ’ (CEPA) અંગે છે. ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. આ ડીલ હેઠળ ખેતી, કઠોળ, ડિજિટલ કોમર્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ટેક્સ ઘટાડવામાં આવી શકે છે.

ક્લીન એનર્જી અને ક્રિટિકલ મિનરલ્સ

કેનેડા પાસે લિથિયમ અને કોબાલ્ટ જેવા ‘ક્રિટિકલ મિનરલ્સ’નો મોટો ભંડાર છે, જે ઇલેક્ટ્રિક વાહનો (EV) ની બેટરી બનાવવા માટે જરૂરી છે. ભારત પોતાની ઈવી ક્રાંતિ માટે કેનેડા સાથે લાંબા ગાળાની સપ્લાય ડીલ કરવા માંગે છે. આ ઉપરાંત ગ્રીન હાઈડ્રોજન અને બાયોફ્યુઅલ્સ અંગે પણ નવી શરૂઆત થઈ શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજી

માર્ક કાર્ની પોતે અર્થશાસ્ત્રી રહ્યા છે અને ટેકનોલોજીનું મહત્વ સમજે છે. આ મુલાકાતમાં બંને દેશો AI રિસર્ચ અને સાયબર સિક્યુરિટી પર સાથે મળીને કામ કરવાના કરાર કરી શકે છે.

ટેલેન્ટ મોબિલિટી

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સની સંખ્યા ઘણી મોટી છે. આ મુલાકાતમાં બંને નેતાઓ એવું માળખું (Framework) તૈયાર કરી શકે છે જેનાથી ભારતીયો માટે કેનેડામાં કામ કરવું અને અભ્યાસ કરવો વધુ સરળ અને સુરક્ષિત બને.


Related Posts

Load more