બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ નારોલમાં રહેતી 30 વર્ષીય મહિલાના લગ્ન 2014માં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્ન જીવનના દરિમયાન મહિલાએ બે સંતાનોને જન્મ આપ્યો હતો. દંપતીનું લગ્નજીવન એકંદરે સુખી ચાલતું હતું. પરંતુ મહિલાને ગત 2024માં જાણ થઈ કે તેના પતિ તેની જ માસી સાસુ સાથે પણ લગ્નેતર સંબંધ ધરાવે છે. આથી આ બાબતે પત્નીએ પતિને સમજાવવાનો પ્રયાસ કરતા પોતાની સાથે છુટાછેડા આપી દેવા માટે પતિએ દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
બે સંતાનોના પિતા એવા પતિને સમજાવટ છતાં તેણે માસી સાસુ સાથેના લગ્નેતર સંબંધ છોડ્યા ન હતા. આ મામલે મહિલાએ સાસુ અને સસરાને વાત કરતા તેમણે પણ પુત્રને સમજાવવાનો પ્રયાસ કરતા પુત્રએ તેમની સાથે પણ ઝઘડો કરીને ઘરમાંથી નીકળી જવા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ દરિમયાન મહિલાને તેનો પતિ પોતાની સાથે છુટાછેડા આપી દેવા માટે દબાણ કરીને કહેતો કે જો તું છુટાછેડા નહીં આપે તો મારી પ્રેમિકાને ઘરે લાવીશ અને જો તું આ વાતથી ઇનકાર કરીશ તો તને જાનથી મારી નાંખીશ અને હું જાતે પણ મરી જઇશ તેવી ધમકી આપતો હતો.
બાળકોના ભવિષ્યનો વિચાર કરીને મહિલા પતિના ચારિત્ર્યહીન વર્તનને સહન કરતી રહી હતી. દરમિયાન તાજેતરમાં પતિને ત્રીજી છોકરી સાથે લગ્નેતર સંબંધ બંધાયો હોવાની જાણ પહેલી પત્નીને થતા યુવકને માતાપિતાએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માતાપિતા અને પહેલી પત્ની સાથે મારઝૂડ કરીને તમામને ઘરેથી નીકળી જવાનું કહીને ત્રાસ આપવા લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત જૂન 2025માં પતિ તેમને છોડીને ત્રીજી યુવતી સાથે રહેવા ચાલ્યો ગયો હતો. દરમિયાન તાજેતરમાં પતિએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધો હોય તેની તપાસ કરતા તેમના લગ્ન રજીસ્ટર પણ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કંટાળેલી મહિલા તેની સાસુ સાથે નારોલ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.