BIG BREAKING: અડાલજ હત્યાકાંડના આરોપી વિપુલનું એન્કાઉન્ટર, સાયકો કિલરે પોલીસ પર કર્યો હતો હુમલો

By: nationgujarat
24 Sep, 2025

Adalaj Case: ગાંધીનગર નજીક અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક 20 સપ્ટેમ્બરે બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. ગઈકાલે (23 સપ્ટેમ્બર) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે (24 સપ્ટેમ્બર) પોલીસ દ્વારા ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને ઘટના સ્થળ લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની બંદૂક છીનવીને પોલીસ પર જ ફાયરિંગ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપી વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જણાવી દઈએ કે, અડાલજ પોલીસ મથક વિસ્તારમાં 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે લૂંટ અને હત્યાનો એક ગંભીર ગુનો બન્યો હતો.

24 સપ્ટેમ્બર: સાઇકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અંબાપુર કેનાલ પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી વિપુલ પરમારે અચાનક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો અને તેમની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી હતી. બંદૂક છીનવ્યા બાદ આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ જોતા, પોતાની અને અન્ય પોલીસ કર્મચારીઓની સલામતી માટે પોલીસે સ્વબચાવમાં આરોપી વિપુલ પરમાર પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ અને આરોપી વચ્ચેના આ ઘર્ષણમાં ગોળી વાગતા વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

23 સપ્ટેમ્બર: આરોપી વિપુલ પરમારની રાજકોટથી થઈ હતી ધરપકડ

આ ચકચારી લૂંટ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી છે. આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો દેખાય છે.


Related Posts

Load more