સુરતમાં વધુ એક પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, મહિલાએ બે વર્ષના બાળક સાથે 13 માળથી ઝંપલાવ્યું
સુરતમાં વધુ એક પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, મહિલાએ બે વર્ષના બાળક સાથે 13 માળથી ઝંપલાવ્યું
By: nationgujarat
04 Sep, 2025
સુરતઃ શહેરમાંથી વધુ એક પરિણીતાએ પોતાના દીકરા સાથે જીવન ટૂંકાવ્યું છે. શહેરના અલથાણા વિસ્તારમાં આવેલા માર્કન્ડ હિલ્સમાં રહેતા અને લૂમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા પટેલ પરિવારની પરિણીતાએ પોતાના બે વર્ષના દીકરા સાથે બિલ્ડિંગના 13મા માળેથી ઝંપલાવી દીધું છે. જેના કારણે માતા અને દીકરો બંનેએ જીવ ગુમાવ્યો છે. જોકે, આ મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજી સામે આવ્યું નથી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારમાં પાંચ લોકો રહેતા હતા
આ અંગે નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મહેસાણાના વતની અને હાલમાં અલથાણ વિસ્તારમાં આવેલી માર્કન્ડ હિલ્સ બિલ્ડિંગના સી વિંગના છઠ્ઠા માળે વિલેષકુમાર પટેલનો પરિવાર રહેતો હતો. તેઓ તેમની 30 વર્ષીય પત્ની પૂજા અને બે વર્ષના દીકરા ક્રિશિવ સાથે રહે છે. તેમની સાથે પરિણીતાના સાસુ સસરા પણ રહે છે. વિલેષકુમાર લૂમ્સનું કારખાનું ચલાવે છે. બુધવારે સાંજે પૂજા તેમના બે વર્ષના પુત્ર ક્રિશિવને લઈને બિલ્ડિંગના સી વિંગના 13મા માળે બ્લાઉઝ સિવડાવવા ગઈ હતી. ત્યારે કોઈ અજાણ્યા કારણસર પૂજા અને ક્રિશિવ અચાનક 13મા માળેથી નીચે ઝંપલાવ્યું હતુ.ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. 13મા માળેથી પડવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું અને આસપાસના લોકો તથા સંબંધીઓના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે.