ડાકોર : ધનુર્માસનો છેલ્લો દિવસ હોવાથી ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. ડાકોર નગરમાં ધાબા ખાલી રહ્યા હતા અને આકાશમાં ગણતરીની પતંગો જ પતંગ ચગતી જોવા મળતા ઉત્તરાયણ નિરસ રહી હતી. જ્યારે મંદિર કમિટીએ ગૌદાનની પ્રથા આ વર્ષે બંધ રાખી માત્ર ગૌપૂજન જ કર્યું હતું. હવે ગાયના બદલે બળદની જોડીનું ખેડૂતોને દાન કરવા કમિટીએ નિર્ણય કર્યો છે.
યાત્રાધામ ડાકોરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી નીરસ જોવા મળી હતી. પવનનું જોર વધારે હોવાથી અને ઠંડીનો ચમકારો બપોરે ૧૨ વાગ્યા સુધી રહ્યો હતો. જેના કારણે આકાશમાં ગણતરીના પતંગો જ જોવા મળ્યા હતા. ધનુર્માસનો છેલ્લો દિવસ હોવાથી ઠાકોરજીના દર્શન કરવા ભક્તો આવતા હોવાના લીધી વેપારીઓએ વેપાર- ધંધામાં વ્યસ્ત બનતા ડાકોર નગરમાં મોટાભાગના ધાબા ખાલી જોવા મળ્યા હતા. ડ્રાયફ્રૂટ ખિચડી, ઊંધિયું, જલેબીના હંગામી સ્ટોલ પર ખરીદી માટે ભીડ જોવા મળી હતી. જો કે, પર્વમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.ડાકોર મંદિર તરફથી ઉત્તરાયણ પર્વે બ્રાહ્મણ પરિવારને પાંચ ગાયોના દાનની વર્ષોથી ચાલતી પરંપરા કમિટી દ્વારા બંધ કરાઈ હતી. આ સંદર્ભે ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જે.પી. દવેએ જણાવ્યું હતું કે, અગાઉ જે ગાયોનું દાન અપાયું હતું તે દાન લેનારાના જણાવ્યા પ્રમાણે દાનમાં આવેલી ગાયો ગૌશાળા છોડી જતી નથી. ઘણીવાર ખોરાક બંધ કરી દે છે. ગૌધનનો સમૂહ જોવા નહીં મળતા થોડા જ સમયમાં જ મૃત્યુ પામે છે. જેને લીધે મંદિર દ્વારા દાન પ્રથા બંધ રાખી ભંડારી મહારાજના હસ્તે ગૌપૂજા કરી ગાયોને પાછી ગૌશાળા મોકલી અપાઈ હતી.હવે ગૌદાન પ્રાથાની જગ્યાએ ખેડૂત પુત્રને બળદની જોડીનું દાન આપવામાં આવશે. તેવું તેમણે જણાવ્યું હતું