Maharashtra Assembly Elections : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ જોર-શોરથી તૈયારી શરુ કરી છે. જેમાં ટિકિટની વહેંચણીથી લઈને મહાગઠબંધનમાં સામેલ પક્ષોમાં બેઠકોની વહેંચણી સુધીની મિટિંગ થઈ રહી છે. તેવામાં મહાવિકાસ અઘાડી અને મહાયુતિ પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ ક્રમમાં સત્તાધારી ગઠબંધનમાં બેઠકોની વહેંચણી લગભગ આખરી બની ગઈ છે. સૂત્રોનું માનીએ તો ભાજપ 156 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 78થી 80 અને અજિત પવારની એનસીપીને 53થી 54 બેઠકો મળી છે.
બેઠક વહેંચણીને લઈને અંતિમ ચરણે વાતચીત
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાં ભાજપ, શિવસેના અને NCP ગઠબંધનની સરકાર છે. 2019ની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 105 બેઠકો જીતી હતી. આ વખતે મહાયુતિ પૂરી તાકાત સાથે મેદાને ઉતરવા જઈ રહી છે, ત્યારે બેઠક વહેંચણીને લઈને અંતિમ ચરણે વાતચીત થઈ રહી છે. વર્તમાનમાં ભાજપના 103 ધારાસભ્ય છે. જ્યારે શિવસેનાના એકનાથ શિંદે પાસે 40 ધારાસભ્ય અને NCPના અજીત પવાર પાસે 43 ધારાસભ્ય છે. તેવામાં ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી છે.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે, જેના 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગત ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જો કે, ચૂંટણી બાદ શિવસેના એનડીએથી અલગ થઈ ગઈ અને એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. જૂન 2022માં શિવસેનામાં આંતરિક વિખવાદ થયો હતો. આ પછી એકનાથ શિંદેએ પાર્ટીના 40 ધારાસભ્યોને બરતરફ કર્યા. એકનાથ શિંદે ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. હવે શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. બીજી તરફ, શરદ પવારની NCP પણ શરદ પવાર અને અજિત પવાર એમ બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે.
રાજ્યમાં વધુ એક ગઠબંધન મેદાને
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનનું ગણિત સેટ થઈ રહ્યું છે, ત્યારે મહાયુતિ અને NCPમાં બેઠક વહેંચણીને વાતચીત થઈ રહી છે. ભાજપે 99 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે વિપક્ષી મહાવિકાસ અઘાડી પાર્ટી બેઠક વહેંચણીને લઈને હજુ પણ મૂંઝવણમાં જોવા મળી રહી છે. બંને ગઠબંધન વચ્ચે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે હવે ત્રીજું ગઠબંધન રાજ્યના ચૂંટણી જંગમાં ઉતર્યું છે.
આનાથી લોકો મૂંઝવણમાં
ભાજપના રાજ્યસભા સાંસદ સંભાજી રાજે છત્રપતિના નેતૃત્વમાં આ નવા ગઠબંધનમાં રાજુ શેટ્ટીની પાર્ટી સ્વાભિમાની શેતકરી પક્ષ અને બચ્ચુ કુડુની આગેવાની હેઠળની પ્રહાર જનશક્તિ પાર્ટી પણ સામેલ છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજીએ મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે પાટિલ અને વંચિત બહુજન અઘાડી (વીબીએ)ના પ્રકાશ આંબેડકરને પણ આ ત્રીજા જોડાણમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, બે શિવસેના અને બે એનસીપી છે. આ બંને પક્ષોમાંથી એક-એક જૂથ સત્તામાં છે અને એક-એક જૂથ વિપક્ષમાં છે. આનાથી લોકો મૂંઝવણમાં છે. મહારાષ્ટ્રના લોકો પરિવર્તન માટે આતુર છે.
નવા ગઠબંધનથી કોને ફાયદો થશે?
પરિવર્તન મહાસત્તાની રચનાએ મહાયુતિ અને એમવીએ બંને ગઠબંધનની મુશ્કેલીઓ વધારી દીધી છે. જો મનોજ જરાંગે પાટીલ પણ આ ગઠબંધનને સમર્થન આપે છે અને પ્રકાશ આંબેડકરની પાર્ટી તેમાં જોડાય છે, તો તે વિપક્ષ એમવીએ માટે મુશ્કેલી બની શકે છે. તાજેતરના લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો, મરાઠવાડા ક્ષેત્રની 46 વિધાનસભા બેઠકોમાંથી, એમવીએ પક્ષોના ઉમેદવારો 31 બેઠકો પર આગળ હતા. જ્યારે ખેડૂત નેતા રાજુ શેટ્ટીનો પ્રભાવ પશ્ચિમ મહારાષ્ટ્રમાં વધુ છે.
પશ્ચિમ મહારાષ્ટ્રની વાત કરીએ તો, તાજેતરની લોકસભા ચૂંટણીમાં એમવીએ અને મહાયુતિ એમ બંને ગઠબંધન વચ્ચે મજબૂત લડાઈ જોવા મળી હતી. પશ્ચિમ મહારાષ્ટ્રમાં 70 વિધાનસભા બેઠકો છે અને આમાંથી 35 બેઠકો પર એમવીએ ઉમેદવારો આગળ હતા. જ્યારે મહાયુતિના ઉમેદવારો પણ 30 બેઠકો પર લીડ મેળવવામાં સફળ રહ્યા હતા. વિદર્ભ ક્ષેત્રની બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની લડાઈ નિર્ણાયક માનવામાં આવે છે, પરંતુ પરિવર્તન મહાશક્તિના પ્રવેશને કારણે, સરકારથી નારાજ છે અને સીધા મતોની અપેક્ષા રાખી રહેલી એમવીએનું ટેન્શન વધી ગયું છે.