આણંદ જિલ્લાના પેટલાદમાં લાંચિયા પોલીસ અધિકારીઓને મલાઈ ખાવી ભારે પડી છે. નડિયાદ ACBએ એક સાથે 3 પોલીસ કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસ સ્ટેશનની ચોકીમાં જ પોલીસ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા.
મળતા અહેવાલ પ્રમાણે મહિલા બુટલેગર પાસેથી આ 3 પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂના કેસ મામલે લાંચ માંગી હતી. પેટલાદ પોલીસે જૂનમાં 10 પેટી વિદેશી દારૂ ઝડપ્યો હતો. તે સમયે પોલીસે મહેશ ઠાકોર, દિનેશ ખ્રિસ્તી, અલ્પેશ યાદવ નામના ત્રણ બુટલેગરોને દબોચ્યા હતા અને પોલીસે ત્રણેય વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ASI રામભાઈ વેલાભાઈ,
કોન્સ્ટેબલ હિતેશભાઈ દિપસંગભાઈ,
કોન્સ્ટેબલ હિતેશભાઈ દોલુભાઈ
પેટલાદ પોલીસના 3 પોલીસ કર્મચારીઓએ કેસને પતાવવા માટે અને ચાર્જશીટમાંથી નામ કમી કરાવવા માટે બુટલેગરની પત્ની પાસેથી રૂપિયા દોઢ લાખની પહેલા માંગ કરી હતી, ત્યાર બાદ 45 હજારમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો કેસ રફે દફે કરવો હોય તો રૂપિયા આપવા જ પડશે. મહિલા બુટલેગરે આ મામલે નડિયાદ ACBનો સંપર્ક સાધ્યો હતો.
સમગ્ર મામલે ACBએ પોલીસ સ્ટેશનની ચોકીમાં છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં ત્રમેય પોલીસ કર્મચારીઓ ઝડપાઈ ગયા હતા. તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ACBએ કાર્યવાહી કરી હતી.