nationgujarat

ચોમાસાના અંતમાં ફરી વરસાદી માહોલ જામ્યો, અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ

By: nationgujarat
14 Oct, 2024

નવરાત્રિ પુરી થતાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગત 24 કલાકમાં છેલ્લા 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે બપોરે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થઇ ગયું હતું. શહેરના એસજી હાઇવે, પ્રહલાદ નગર, આનંદ નગર, વેજલપુર, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારો મોટા વરસાદી છાંટા પડવાનું શરૂ થયું હતું. વરસાદી ઝાપટાં પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જોકે અમરેલી, સાવરકુંડલામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ ખાબકતાં ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભિતિ છે.

ગુજરાતમાં સિઝનનો વરસાદ હવે વધીને 140 ટકા થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ સોમવારે 12 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઈ છે. રાજ્યમાં ચોમાસાના અંતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે, ત્યારે 14 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે. જેમાં આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા

વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારોને ભીંજવી દીધા છે ત્યારે ગોતા, સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદ નગર, ઇસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઇવેના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

14 ઓક્ટોબરની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે 14 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ.

15 થી 17 ઓક્ટોબરની આગાહી

રાજ્યમાં 15 ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જ્યારે 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


Related Posts

Load more