રાજકોટમાં ગઈકાલે બનેલી ઘટનાથી આખું રાજ્ય હચમચી ઉઠ્યું છે. રાજકોટમાં નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળતા 28 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારનો માળો વિખેરાયો છે. હજુપણ કેટલાક લોકો લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક જ પરિવારના પાંચ સભ્યો હજુ પણ ગાયબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ પરિવારના સ્વજને આરોપીઓને ખુલ્લી ધમકી આપી છે.
રાજકોટના પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના 8 સભ્યો TRP ગેમ ઝોનમાં ગયા હતા. જેમાંથી 3 સભ્યો મળી ગયા છે અને હજુ પણ પાંચ લોકો લાપતા છે. DNA ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ જ આ સભ્યોની ઓળખ થઈ શકશે. ત્યારે પ્રદીપસિંહ ચૌહાણે આરોપીઓને ખુલ્લી ધમકી આપી છે.
તેમણે કહ્યું છે કે, TRP અગ્નિકાંડના ગુનેગારોને સખત સજા થવી જોઈએ. મારો કોઈ સહાયની જરૂર નથી, મને સહાય મળશે તે હું જરૂરિયાત વાળા લોકોને આપી દઈએ. તેમણે જણાવ્યું કે, મેં મારું બધું જ ગુમાવ્યું છે. જો સજા થયા બાદ ગુનેગારોને જામીન મળશે તો તેને જાનથી મારી નાખીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગેમ ઝોનમાં આગ લાગવાથી 28 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં માલિક સહિત 10ની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં શનિવારે બપોરે 4.30 વાગ્યે ભયાનક આગ ફાટી નીકળતા 12 બાળકો સહિત 28 લોકોનાં મોત થયા. દુર્ઘટના એવા સમયે બની જ્યારે બાળકો ગેમ રમી રહ્યા હતા. અચાનક આગ લાગવાથી લોકોને ગેમ ઝોનની બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો.ગેમ રમતા રમતા જ બાળકો જીવતા સળગી ગયા. ચીસો પાડતા લોકો આમતેમ ભાગતા નજરે પડ્યા.