સંસદની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો ગૃહમાં ઘુસ્યા હતા. આ બંને વ્યક્તિઓ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા. તેમને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા હતા. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. સાંસદોએ તેને પકડી લીધો અને સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા. ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ચોક્કસપણે સુરક્ષા ભંગ છે કારણ કે આજે આપણે 2001 માં તેમના જીવનનું બલિદાન આપનાર લોકોની પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ.
મળતા સમાચાર પ્રમાણે કાર્યવાહી દરમિયાન જે બંને વ્યક્તિઓ ગૃહમાં ઘુસ્યા હતા તેમણે સાંસદના નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે બંને લોકો મૈસૂરથી બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના નામે લોકસભા વિઝિટર પાસથી આવ્યા હતા.