6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઈમરજન્સી બેઠક

By: Nation Gujarat Team
22 Jun, 2026

Maharashtra Political Crisis 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કથિત ‘ઓપરેશન ટાઇગર’ સફળ થતું જોવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શિવસેના યુબીટી(UBT)ના 6 બળવાખોર સાંસદો બાદ હવે ઉદ્ધવ ઠાકરેના 14 ધારાસભ્યો પણ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવા અથવા અલગ જૂથ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે. પક્ષમાં મોટા પાયે ભંગાણ પડવાની આ ભીતિને પગલે ઠાકરે જૂથમાં ભારે હડકંપ મચી ગયો છે. જેના કારણે સ્થિતિને કાબૂમાં લેવા માટે ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક અસરથી તમામ ધારાસભ્યોની એક ઈમરજન્સી બેઠક બોલાવવી પડી છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાસે હાલમાં કુલ 20 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જો સૂત્રોનો દાવો સાચો સાબિત થાય અને 14 ધારાસભ્યો પક્ષ છોડીને શિંદે જૂથમાં સામેલ થઈ જાય, તો ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 6 ધારાસભ્યો જ બાકી રહેશે, જે પક્ષના અસ્તિત્વ માટે મોટો ફટકો ગણાશે. આ જ કારણ છે કે સેંધમારીની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 2:30 વાગ્યે ‘શિવાલય’ ખાતે ધારાસભ્યોની આ અગત્યની બેઠક યોજી છે. જે પહેલા બપોરે 12 વાગ્યે પણ આ વિષય પર પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ગંભીર મંથન થયું હતું.

બીજી તરફ, શિંદે જૂથના સૂત્રોનું કહેવું છે કે ઉદ્ધવ કેમ્પના 6 બળવાખોર સાંસદો આજે દિલ્હીમાં એક મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ સંભવિત પક્ષ પલટા અંગે પ્રતિક્રિયા આપતા શિંદે જૂથના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે જણાવ્યું હતું કે, વિપક્ષી સાંસદોના આવવાથી મહાયુતિ ગઠબંધન વધુ મજબૂત બનશે અને કેન્દ્રમાં પીએમ મોદીના નેતૃત્વવાળી NDA સરકારને વધારાનું બળ મળશે. જેથી દેશની પ્રગતિ ઝડપી બનશે. આમ, ઉદ્ધવ ઠાકરે સામે હવે એક જ સમયે પોતાના સાંસદો અને ધારાસભ્યો બંનેને સાચવવાનું બેવડું સંકટ ઊભું થયું છે.

પક્ષમાં ચાલી રહેલી આ ઉથલપાથલ અને ‘ઓપરેશન ટાઇગર’ પર શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, ભાજપ અને તેના સાથી પક્ષોને માત્ર રાજકીય તોડફોડ કરવામાં જ રસ છે. સરકારે પક્ષો તોડવાને બદલે દેશના શાસન પર ધ્યાન આપવું જોઈએ. હાલમાં દેશની વિદેશ નીતિ, પાણીની અછત, આંતરિક સુરક્ષા અને મોંઘવારી જેવી ગંભીર સમસ્યાઓથી જનતા ત્રસ્ત છે. તેમણે ઉમેર્યું કે આ સરકારને કામ કરતા નથી આવડતું અને તેમને ખેડૂતો કે મહિલાઓના અવાજ સંભળાતા નથી.


Related Posts

Load more