5 લાખ ફોલોઅર્સવાળા કહેવાશે ‘સેલિબ્રિટી’, બદલાશે નિયમ, જાણો SEBIના નવા ડ્રાફ્ટમાં શું ખાસ?

By: Nation Gujarat Team
26 Jun, 2026

SEBI New Rules Influencers : જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો અને તમારા 5 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ કે ફોલોઅર્સ છે, તો હવે તમે કાનૂની રીતે ‘સેલિબ્રિટી’ ગણાશો. માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) ફાઈનાન્સિયલ વિજ્ઞાપનોના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. સેબીના નવા પ્રસ્તાવ મુજબ, કોઈપણ એક ડિજિટલ પ્લેટફોર્મ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઈન્ફ્લુએન્સર્સ પર હવે મોટા સ્ટાર્સ જેવા જ કડક નિયમો અને પ્રતિબંધો લાગુ થશે.

આ લોકો પણ આવશે નિયમોના દાયરામાં

સેબીએ સેલિબ્રિટીની વ્યાખ્યા ઘણી મોટી કરી છે. આ નિયમ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરનારા એથ્લેટ્સ, ક્રિકેટ કે કબડ્ડી જેવા લોકપ્રિય રમતના ખેલાડીઓનો સમાવેશ થશે. આ સિવાય ટીવી કે ઓટીટી (OTT) પર આવતા રિયાલિટી શોના વિજેતા અને રનર-અપ તેમજ ટીવી શો, ન્યૂઝ કે કોમેડી શોના એવા એન્કર્સ જેમણે ઓછામાં ઓછા 10 એપિસોડ કર્યા હોય, તેઓ પણ આ દાયરામાં આવશે. સેબીએ આ ડ્રાફ્ટ પર સામાન્ય જનતા અને નિષ્ણાતો પાસેથી 14 જુલાઈ 2026 સુધી સૂચનો માગ્યા છે.

કોમ્પ્યુટરથી બનેલા ‘AI અવતાર’ પર પણ નજર

આ પ્રસ્તાવમાં માત્ર માણસો જ નહીં, પરંતુ AI-જનરેટેડ વર્ચ્યુઅલ પાત્રો (AI Avatars)ને પણ આવરી લેવાયા છે. જો કોમ્પ્યુટર દ્વારા બનાવાયેલા આ ડિજિટલ અવતાર માણસો જેવી વિશેષતાઓ ધરાવતા હશે અને દર્શકોને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખતા હશે, તો ફાઈનાન્સિયલ જાહેરાતોમાં તેનો ઉપયોગ કરતી વખતે પણ માનવ સેલિબ્રિટી જેવા જ નિયમો પાળવા પડશે.

નિયમ આવવાથી શું બદલાશે?

આ પ્રસ્તાવ પાસ થયા પછી મ્યુચ્યુઅલ ફંડ કે શેર બ્રોકર જેવી નાણાકીય કંપનીઓ અને આ ઈન્ફ્લુએન્સર્સ માટે જાહેરાતો કરવી સરળ નહીં રહે. આ સેલિબ્રિટીઝ માત્ર કંપનીના બ્રાન્ડનું પ્રમોશન કરી શકશે, પરંતુ કોઈ ખાસ શેર કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ખરીદવાની સલાહ કે ગેરંટી આપી શકશે નહીં. સેલિબ્રિટીવાળી આવી જાહેરાતોને લોકો સામે મૂકતા પહેલાં સેબીની મંજૂરી લેવી પડશે.

ભ્રામક જાહેરાતો પર લાગશે રોક

નવા નિયમો હેઠળ જાહેરાતોમાં ગેરંટીડ પ્રોફિટનો દાવો કરવા, ભ્રામક સરખામણીઓ કરવા અથવા વધુ ટ્રેડિંગ કરવા પર કેશબેક અને વાઉચર જેવી લાલચો આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે. સેબીનું માનવું છે કે આજની યુવા પેઢી રોકાણ કરવા માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પર ખૂબ ભરોસો કરે છે, તેથી તેમના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે.


Related Posts

Load more