2માર્ચે સોમનાથમાં અનોખું હોલિકા દહન:વૈદિક પરંપરા સાથે પર્યાવરણનો સંદેશ

By: Nation Gujarat Team
23 Feb, 2026

હોળી પર્વની પાવન સંધ્યાએ તા. 2 માર્ચ 2026ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના સાનિધ્યમાં વૈદિક પરંપરાનું અનોખું દૃશ્ય સર્જાવાનું છે. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંજે 8:00 કલાકે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવશે. આ આયોજન માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ પર્યાવરણ સંરક્ષણનો શક્તિશાળી સંદેશ પણ આપશે

દેશભરમાં સામાન્ય રીતે લાકડાના ઢગલાઓથી હોલિકા દહન કરવામાં આવે છે,જ્યારે સોમનાથ ટ્રસ્ટે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ, ગીર ગાયનું શુદ્ધ ઘી, સમિધ કાષ્ટ, સાત પ્રકારના અનાજ,કપૂર અને ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલ પ્રધાનમંત્રીના લાઈફ સ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ (LiFE) અભિગમ સાથે સંકળાયેલી છે,જે જીવનશૈલીમાં પર્યાવરણમૈત્રી બદલાવ લાવવાનો સંદેશ આપે છે.

શાસ્ત્રોક્ત અને આયુર્વેદિક દૃષ્ટિએ ગૌમય તથા ઔષધિઓનું દહન વાતાવરણ શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. વાત, પિત્ત અને કફ જેવા દોષોના નિવારણ માટે પણ આ પદ્ધતિને લાભદાયી માનવામાં આવે છે.

હવે ઘરે બેઠા હોલિકામાં આહુતિ: સોમનાથ ટ્રસ્ટની અનોખી ડિજિટલભક્તિ પહેલ

હોળી પર્વને આધ્યાત્મિકતા સાથે આધુનિક ટેક્નોલોજીનો સ્પર્શ આપતી અનોખી પહેલ તરીકે સોમનાથ મંદિર ટ્રસ્ટએ ભક્તો માટે વિશેષ ઓનલાઈન સુવિધા શરૂ કરી છે.હવે દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓ પણ ઘરે બેઠા પવિત્ર હોલિકા દહનમાં પોતાની આહુતિ અર્પણ કરી શકશે. મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 2માર્ચે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે યોજાનાર વૈદિક હોલિકા દહન પ્રસંગે ભક્તો માત્ર ₹21 ન્યોછાવર કરીને Somnath.org મારફતે હોલિકામાં ગૌમય છાણ,ગીર ગાયનું ઘી,સમિધ કાષ્ટ,સાત પ્રકારના અનાજ,કપૂર અને ઔષધિઓ જેવી પવિત્ર સામગ્રીની આહુતિ અર્પણ કરી શકશે.આ પહેલ ભક્તિભાવને ડિજિટલ યુગ સાથે જોડતી અનોખી કડી બની રહી છે.

ટ્રસ્ટના આ નિર્ણયથી તે ભક્તોને વિશેષ લાભ મળશે,જેઓ કોઈ કારણસર સોમનાથ પહોંચી શકતા નથી.ઓનલાઈન સુવિધા દ્વારા તેઓ હોલિકા દહનના લાઈવ દર્શનનો પણ લાભ લઈ શકશે, જેથી ભક્તિનો ભાવ અને જોડાણ અખંડિત રહેશે.

સાથે જ, પ્રત્યક્ષ ઉપસ્થિત ભક્તો માટે પણ ગોમય યુક્ત આહુતિ અર્પણ કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આહુતિ અર્પણ કરવાનો અવસર ભક્તોને મળશે.


Related Posts

Load more