જૂનાગઢ પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી અસ્મિતાબેન વિંઝુડાએ પોતાના ભાઈઓને બોલાવી પતિ જલ્પેશભાઈ, સાસુ હીરાબેન અને નણંદ પર જીવલેણ હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ છે. હું પોલીસમાં છું એટલે મારું કશું નહીં થાય એવી માનસિકતા સાથે હુમલો કરાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. એક જ દિવસમાં બે વખત હુમલાની ઘટના બની હતી. અસ્મિતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જ્યારે પતિ જલ્પેશભાઈ એસ.ટી. વિભાગમાં ફરજ બજાવે છે. બે-ત્રણ વર્ષથી ચાલતા મનદુ:ખ વચ્ચે બોલાચાલી અને કેસો થયા હતા. જલ્પેશભાઈએ પત્ની પર અન્ય સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરતાં ઝઘડો થયો હતો. આ દરમિયાન હીરાબેન ચૌહાણે ફરિયાદ કરી કે અસ્મિતાએ પતિ, સાસુ અને નણંદને ઈજા પહોંચાડી હતી. બીજી તરફ અસ્મિતાબેનએ પણ પતિ અને સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. સવારની ઘટનામાં જલ્પેશ અને તેમની માતા ઈજાગ્રસ્ત બન્યા બાદ રાત્રે ફરી હુમલો થયો. જલ્પેશ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અસ્મિતાના ભાઈઓ — વિજય, રાહુલ, કાળા વિંઝુડા અને અજાણ્યા શખ્સોએ કારમાંથી આવી તલવાર, લોખંડની પાઈપ અને ધોકાથી હુમલો કર્યો. જલ્પેશના બંને પગમાં ગંભીર ઈજાઓ થતાં ફ્રેક્ચર થયું. આ સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ત્રણ ફરિયાદ નોંધાઈ છે. મહિલા પોલીસ કર્મી અસ્મિતા સહિત છથી વધુ શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ છે. હાલ હુમલો કરનાર બધા આરોપી ફરાર છે અને તેમની શોધખોળ શરૂ થઈ છે. આમ ખાખીનો રોફ અને સાસરિયા પર જીવલેણ હુમલો કરાવનાર મહિલા પોલીસ કર્મી અસ્મિતા સામે હવે પોલીસ કાયદાકીય કાર્યવાહી આગળ ધપાવી રહી છે.