Telangana CM Revanth Reddy: તેલંગાણાના સીએમ એ રેવંત રેડ્ડીએ કહ્યું કે, અમારી સરકાર દેવાનો બોજ અને આર્થિક તંગીનો સામનો કરી રહી છે. કર્મચારીઓને પગાર ચૂકવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી 4000 કરોડ રૂપિયાની લોન (હેન્ડ લોન) લેવામાં આવી છે. આ સાથે જ તેમણે કર્મચારીઓને અપીલ કરી છે કે, હાલમાં સેલેરી આપવાના જ ફાંફા છે, તેથી તમે મોંઘવારી ભથ્થું (DA) ન માંગશો.
4,000 કરોડ રૂપિયાની ‘હેન્ડ લોન’ લઈને પહેલી તારીખે સેલેરી આપી
સોમવારે 17 માર્ચના રોજ રાજ્ય વિધાન પરિષદમાં એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ‘સરકાર કર્મચારીઓની છે. તેથી હું નાણાકીય પરિસ્થિતિ સંબંધિત તમામ હકીકતો અને આંકડાઓ તમારી સામે રજૂ કરીશ. જેથી પારદર્શિતા જળવાઈ રહે.’ તેમણે આગળ કહ્યું કે, ‘દર મહિનાની પહેલી તારીખે સેલેરી આપવી મુશ્કેલ બની જાય છે. હું અહીંથી મારા સરકારી કર્મચારીઓને અપીલ કરું છું કે, તમે દર મહિનાની પહેલી તારીખે પોતાની સેલેરી લઈને સરકારની સેવા કરે. ક્યારેક-ક્યારેક અમારે રિઝર્વ બેંક પાસેથી લોન લેવી પડે છે. મેં 4,000 કરોડ રૂપિયાની ‘હેન્ડ લોન’ લઈને પહેલી તારીખે સેલેરી આપી છે.’CMએ આગળ કહ્યું કે, ‘સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની માંગ સંપૂર્ણપણે વાજબી છે. પરંતુ હાલમાં તેમની સરકારને દર મહિનાની પહેલી તારીખે કર્મચારીઓને સેલેરી આપવાના પણ ફાંફાં પડી રહ્યા છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘હું કર્માચારીઓને અપીલ કરું છું કે, તમે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં મોંઘવારી ભથ્થું ન માંગશો. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ભોજન પર કંટ્રોલ રાખીએ છીએ. એવી જ રીતે જ્યારે રાજ્યની નાણાકીય સ્થિતિ ખરાબ હોય છે ત્યારે કર્મચારીઓએ થોડા સમય માટે પોતાની માગ ટાળી દેવી જોઈએ.’
પૂર્વ CM પર લગાવ્યા આરોપ
આ દરમિયાન સીએમ રેવંત રેડ્ડીએ પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર રાજ્યની નાણાકીય સ્થિતિ ખરાબ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. બીજી તરફ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ મંત્રી કેટી રામા રાવે સીએમ રેવંત રેડ્ડી પર નિશાન સાધતા કહ્યું કે, ‘મુખ્યમંત્રીએ પોતે સ્વીકાર્યું છે કે છેલ્લા એક વર્ષમાં રાજ્યને મળનારી આવકમાં ઘટાડો થયો છે. આ રાજ્ય સરકાર માટે મોટું અપમાન છે.’
તમને જણાવી દઈએ કે, આ પહેલા 12 માર્ચે એક કાર્યક્રમમાં સીએમ રેડ્ડીએ કહ્યું હતું કે, ‘રાજ્યના મહેસૂલનો મોટો ભાગ દર મહિને પગાર, પેન્શન અને પાછલી બીઆરએસ સરકાર દરમિયાન લેવાયેલા મોટા દેવાની ચૂકવણીમાં ખર્ચ થઈ જાય છે.’