Junagadh High Profile Liquor Party: ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂની મહેફિલો ઝડપાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજ્યમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં આવેલા એક ફાર્મહાઉસમાં ચાલતી દારૂની પાર્ટી પર ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવીને 10 લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મેંદરડાના નતાળીયા ગામની હદમાં આવેલા ‘વાઈલ્ડ વાડી કોટેઝ’ ફાર્મહાઉસમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફાર્મહાઉસમાં અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ફાર્મહાઉસના રૂમ નંબર 402માંથી કુલ 10 સ્ત્રી અને પુરુષો નશાની હાલતમાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. અચાનક થયેલી આ કાર્યવાહીથી મહેફિલ માણતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો અને અન્ય જરૂરી મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની આ સફળ કાર્યવાહી બાદ તમામ આરોપીઓને મેંદરડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને તેમની સામે સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો છે.
મેંદરડા પોલીસે પકડાયેલા તમામ લોકો સામે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી), 65(એ)(એ), 81 અને 83 હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ફાર્મહાઉસમાં ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસે લાલ આંખ કરી છે અને તવાઈ બોલાવી છે. મેંદરડા પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ મહેફિલ કોના દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.