Sunita Williams’ Return : સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરીક્ષમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરીક્ષ યાન આજે સવારે (18 માર્ચ, મંગળવાર) 10.35 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું.
9 મહિના અંતરીક્ષમાં વિતાવ્યા
નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઇંગના સ્ટારલાઇનર અંતરીક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન 10 દિવસનું હતું. જોકે સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંને અંતરીક્ષયાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. જે બાદ સુનિતા વિલિયમ્સે 9 મહિના ત્યાં જ વિતાવ્યા. હવે સુનિતા અને બુચ અન્ય બે અંતરીક્ષયાત્રીઓ સાથે સ્પેસએક્સના યાનમાં બેસીને પૃથ્વી પર પરત આવી રહ્યા છે. સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઈલોન મસ્કની સ્પેસ એક્સે મિશન શરુ કર્યું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચની જગ્યાએ નાસાએ અન્ય ચાર અંતરીક્ષયાત્રીઓને સ્પેસ સ્ટેશન પહોંચાડ્યા છે. ડ્રેગન નામક અંતરીક્ષયાનને પૃથ્વી પર પરત આવવામાં આશરે 17 કલાકનો સમય લાગશે. ભારતીય સમય અનુસાર 19 માર્ચે વહેલી સવારે 3:27 વાગ્યે ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી યાન દરિયામાં ઉતરશે.
આજની તમામ અપડેટ્સ:
બોર્ડિંગ: મંગળવાર, સવારે 8.15 વાગ્યે
ચાર અંતરીક્ષયાત્રીઓ ડ્રેગન અંતરીક્ષ યાનમાં સવાર થયા અને હેચ બંધ કર્યું
ડિપાર્ચર: મંગળવાર, સવારે 10.35 વાગ્યે
અંતરીક્ષ યાને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છોડ્યું અને પૃથ્વી તરફની યાત્રા શરુ કરી
સ્પ્લેશડાઉન: બુધવાર, 3.27 વાગ્યે
ડ્રેગન યાનનું કેપ્સ્યુલ ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી દરિયામાં ઉતરશે. અહીં એક ક્રૂ તૈયાર જ હશે જે કેપ્સ્યુલ રિકવર કરશે અને તેમાં સવાર અંતરીક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવશે. જે બાદ ચારેય અંતરીક્ષયાત્રીઓને જોનસન સ્પેસ સેંટર, હ્યુસ્ટન રવાના કરી દેવાશે.
અંતરીક્ષયાત્રીઓ ત્યાં જઈને રહે છે અને પ્રયોગો કરે છે. ત્યાંનું જીવન પૃથ્વીથી સાવ અલગ છે. ત્યાંનો દિવસ ફક્ત 45 મિનિટનો હોય છે અને 24 કલાકમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જોવા મળે છે!
ISSનું પૃથ્વીથી અંતર અને ગતિ
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી 408 કિલોમીટર દૂર છે. એ સ્થિર નથી રહેતું, સતત ગતિશીલ રહે છે, પૃથ્વીની આસપાસ ફરતું રહે છે. તે 28163 કિલોમીટર (17500 માઇલ) પ્રતિ કલાકની અધધધ ઝડપે ફરે છે. પૃથ્વીનું કદ (વ્યાસ 12,742 કિમી) અને સ્પેસ સ્ટેશનનું પૃથ્વીથી અંતર (408 કિમી) એ બે ફેક્ટરને આધારે ISSની ઝડપ નક્કી થાય છે.
ISSનું કદ બે બોઇંગ 747 વિમાન જેટલું
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પાંચ બેડરૂમના ઘર (અથવા બે બોઇંગ 747 વિમાન) જેટલું મોટું છે. તેના તમામ છેડાઓને સમાવીને માપવામાં આવે તો તેનો પથારો ફૂટબોલના મેદાન જેટલો થાય. તેમાં 6 લોકોની ટીમ અને અમુક મર્યાદામાં મહેમાનો રહી શકે છે. હાલ સ્પેસ સ્ટેશનમાં 8 લોકો છે. પૃથ્વી પર સ્પેસ સ્ટેશનનું વજન અંદાજે 420000 કિલોગ્રામ થાય.
45 મિનિટનો દિવસ અને 45 મિનિટની રાત
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઝડપ એટલી વધારે છે કે એને પૃથ્વીનું એક ચક્કર કાપતાં ફક્ત 90 મિનિટ લાગે છે. એમાંના અડધો સમય એટલે કે 45 મિનિટ ISS સૂર્યપ્રકાશમાં વિતાવે છે અને બાકીની 45 મિનિટ પૃથ્વીના પડછાયામાં વિતાવે છે. તેથી ISS પર હાજર અંતરીક્ષયાત્રીને 45 મિનિટના દિવસ અને 45 મિનિટની રાતનો અનુભવ થાય છે. મતલબ કે, 90 મિનિટમાં એક આખો દિવસ પૂરો!
24 કલાકમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત
દરેક પરિભ્રમણ દરમિયાન ISS જ્યારે અંધકારમાંથી અજવાળા તરફ સંક્રમણ કરે છે ત્યારે સ્પેસ સ્ટેશન પર સવાર અંતરીક્ષયાત્રીને સૂર્યોદય જોવા મળે છે. એ જ રીતે ISS જ્યારે અજવાળામાંથી અંધકાર તરફ સંક્રમણ કરે છે ત્યારે સ્પેસ સ્ટેશન પર સવાર અંતરીક્ષયાત્રીને સૂર્યાસ્ત જોવા મળે છે. 24 કલાક ÷ 90 મિનિટ = 16, એવું સાદું ગણિત માંડીએ તો જાણવા મળે છે કે પૃથ્વી પર 24 કલાક પસાર થાય એટલા સમયમાં ISS પૃથ્વીની 16 પરિક્રમા કરી નાંખે છે. એટલે અંતરીક્ષયાત્રીને 24 કલાકમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જોવા મળે છે.
ISS ક્યારે બનાવાયું હતું?
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો પહેલો ભાગ નવેમ્બર, 1998માં લોન્ચ કરવામાં આવ્યો હતો. એ એક રશિયન મોડ્યુલ હતું જેને ‘ઝાર્યા’ નામ અપાયું હતું. એના બે અઠવાડિયા પછી ‘યુનિટી નોડ’ અંતરીક્ષમાં મોકલાયું હતું અને અંતરીક્ષયાત્રીઓએ બંને ભાગને સફળતાપૂર્વક જોડ્યા હતા. આગામી બે વર્ષમાં સ્પેસ સ્ટેશનમાં વધુ હિસ્સા જોડવામાં આવ્યા હતા. 2 નવેમ્બર, 2000થી ત્યાં માનવ વસવાટ શરુ થયો હતો. નાસા અને વિશ્વભરના તેના ભાગીદારોએ મળીને 2011માં સ્પેસ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ કર્યું હતું.