સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલટેક્સ, લોકસભામાં કેન્દ્રએ યાદી-આંકડા જાહેર કર્યા

By: nationgujarat
24 Mar, 2025

Toll Plaza: રસ્તાઓ પરના ટોલ પ્લાઝા સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. સરકારે લોકસભામાં આ માહિતી આપી હતી. આ મુજબ, ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડ પર સ્થિત એક ટોલ પ્લાઝા, દિલ્હી મુંબઈ હાઈવે પર સ્થિત એક ટોલ પ્લાઝા અને ભારતના સૌથી લાંબા રાષ્ટ્રીય હાઈવે પર સ્થિત એક ટોલ પ્લાઝા દેશના સૌથી વધુ કમાણી કરતા ટોલ વસૂલતા પ્લાઝામાં સામેલ છે. એટલું જ નહીં, આ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં હજાર કરોડથી વધુની કમાણી કરી છે. જ્યારે કોરોનાને કારણે શરૂઆતના વર્ષોમાં વેપાર અને અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી.

ગુજરાતનો આ ટોલ પ્લાઝા સૌથી નફાકારક

20મી માર્ચે લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતમાં NH-48ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત ભરથાણા ટોલ પ્લાઝા દેશનો સૌથી નફાકારક પ્લાઝા છે. તેણે છેલ્લા પાંચ વર્ષમાં 2 હજાર કરોડ રૂપિયાથી વધુનો કર વસૂલ્યો છે. આમાં સૌથી વધુ ટોલ વસૂલાત નાણાકીય વર્ષ 23-24માં થઈ હતી. આ ટોલ પ્લાઝાએ 472.65 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી.

બીજા નંબરે રાજસ્થાનમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા છે, જે દિલ્હીથી મુંબઈને જોડતા NH-48ના ગુડગાંવ કોટપુતલી-જયપુર સેક્શન પર સ્થિત છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ટોલ પ્લાઝા પર 1884.46 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવ્યો છે.

દેશમાં સૌથી વધુ કમાણી કરતાં ટોપ-10 ટોલ પ્લાઝા 

 

ટોલ પ્લાઝા રાજ્ય નેશનલ હાઈવે પાંચ વર્ષનું કલેક્શન
ભરથાણા ગુજરાત NH-48 2043.81
શાહજહાંપુર રાજસ્થાન NH-48 1884.46
જલાધુલાગોરી પ્લાઝા પ.બંગાળ NH-16 1538.91
બારાજોર યુપી NH-19 1480.75
ઘરોંડા હરિયાણા NH-44 1314.37
ચોર્યાસી ગુજરાત NH-48 1164.19
ઠિકરિયા/જયપુર પ્લાઝા રાજસ્થાન NH-48 1161.19
L&T ક્રૃષ્ણાગિરી થોપુર તમિલનાડુ NH-44 1124.18
નવાબગંજ યુપી NH-25 1096.91
સાસારામ બિહાર NH-2 1071.36

 

પશ્ચિમ બંગાળમાં NH-16ના ધનકુની ખડગપુર સેક્શન પર સ્થિત જલાધુલાગોરી પ્લાઝા દેશના સૌથી વધુ કમાણી કરતા ટોલ પ્લાઝાની યાદીમાં ત્રીજા નંબરે આવે છે. આ પાંચ વર્ષમાં આ પ્લાઝાએ 1500 કરોડ રૂપિયાથી વધુનો ટોલ વસૂલ્યો છે. આ હાઇવે ભારતના પૂર્વ કિનારા સાથે ચાલે છે અને તે ગોલ્ડન ચતુર્ભુજ પ્રોજેક્ટનો એક ભાગ છે.

શ્રીનગરથી કન્યાકુમારીને જોડતા NH-44ના પાણીપત-જલંધર સેક્શન પર સ્થિત ઘરોંડા ટોલ પ્લાઝા, દેશનો ચોથો સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા છે. છેલ્લા પાંચ વર્ષમાં તેની કુલ આવક 1300 કરોડ રૂપિયાથી વધુ છે.

બીજી તરફ સરકાર તરફથી જાહેર કરેલી યાદી અનુસાર, ગુજરાતમાં NH-48 ના ભરૂચ-સુરત સેક્શન પર ચોર્યાસી, રાજસ્થાનમાં NH-48 ના જયપુર-કિશનગઢ સેક્શન પર ઠિકારિયા પ્લાઝા, તમિલનાડુમાં NH-44 ના કૃષ્ણગિરી થુમ્બીપડી સેક્શન પર L&T કૃષ્ણગિરી થોપુર, ઉત્તર પ્રદેશમાં NH-25 ના કાનપુર-અયોધ્યા સેક્શન પર નવાબગંજ અને બિહારમાં NH-2 ના વારાણસી-ઔરંગાબાદ સેક્શન પર સાસારામનો સમાવેશ થાય છે.


Related Posts

Load more