ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમટેલા વન રક્ષક કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે ધરણાં પ્રદર્શન શરૂ કર્યું છે.વિરોધ પ્રદર્શનમાં ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટર વચ્ચેની ગ્રેડ પે વિસંગતતા દૂર કરવાની મુખ્ય માગણી કરાઈ છે.જંગલ વિસ્તારમાં મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ફરજ બજાવતા વન રક્ષકોને વિશેષ જોખમ ભથ્થું આપવાની માંગણી છે.આ ઉપરાંત કર્મચારીઓએ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ મુજબ જ રજા પગારની ગણતરી થવી જોઈએ તેમ જણાવાયું છે.કર્મચારીઓએ પોતાની આ તમામ આર્થિક માંગણીઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી છે.
વન કર્મચારીઓએ ભરતી અને બઢતી પ્રક્રિયા અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલી ફોરેસ્ટરની જગ્યાઓ પુનઃ શરૂ કરવાની ઉગ્ર માગણી કરાઈ છે.આ ઉપરાંત આરએફઓ એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બંધ જગ્યાઓ પણ ફરી શરૂ કરવા માગ કરી છે.કર્મચારીઓએ સીધી ભરતી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરવાની માંગણી મક્કમતાથી દોહરાવી છે.સીધી ભરતી બંધ કરીને ખાતાના કર્મચારીઓને પ્રમોશનનો વ્યાજબી લાભ આપવો જોઈએ.વર્ષોથી ફરજ બજાવતા અનુભવી કર્મચારીઓને જ પ્રમોશન આપવું અત્યંત આવશ્યક છે.ખાતાકીય બઢતીમાં પ્રાધાન્ય આપી માત્ર અનુભવી કર્મચારીઓને જ આગળ વધવાની તક આપવી જોઈએ.કર્મચારીઓએ પોતાની આ તમામ સેવાકીય માગણીઓ તાકીદે સ્વીકારવા માટે અવાજ બુલંદ કર્યો છે.
આ આંદોલનમાં વન રક્ષકોએ બદલીના પડતર પ્રશ્નો કાયમી ધોરણે ઉકેલવાની માગણી પણ રજૂ કરી છે.લાંબા સમયથી વહીવટી કારણોસર અટવાયેલી બદલીઓની અરજીઓનો તાત્કાલિક નિકાલ લાવવાની માગણી કરવામાં આવી છે.ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચેલા રાજ્યભરના વન રક્ષકો પોતાના હક મેળવવા સંપૂર્ણપણે અડગ બન્યા છે.પડતર પ્રશ્નો અંગે યોગ્ય અને સંતોષકારક નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.વહીવટી સ્તરે વન રક્ષકોના આ તમામ વ્યાજબી મુદ્દાઓ પર તાત્કાલિક વિચારણા થવી જોઈએ. સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયેલા કર્મચારીઓ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે ધરણાં કરી રહ્યા છે. કર્મચારીઓ પોતાની તમામ પડતર માંગણીઓ જ્યાં સુધી ન ઉકેલાય ત્યાં સુધી લડત ચલાવવા કટિબદ્ધ છે.