વેનેઝુએલામાં બેક ટુ બેક 7.1 અને 7.5 ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ, ઇમારતો ધરાશાયી, ઈમરજન્સી જાહેર

By: Nation Gujarat Team
25 Jun, 2026

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે સાંજે કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. અહીં માત્ર થોડી જ મિનિટોના અંતરાલમાં એકપછી એક એમ બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે રાજધાની કરાકસ (Caracas) સહિત દેશના અનેક રાજ્યો ધ્રુજી ઉઠ્યા હતા. આ આફતને કારણે કરાકસમાં અનેક રહેણાંક મકાનો અને બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે ચારેકોર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ સાથે દેશમાં રાષ્ટ્રપતિ દ્વારા ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

પ્રથમ આંચકો: સાંજે આવેલા પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ વેનેઝુએલાના કેરેબિયન દરિયાકાંઠાના મોરોન શહેર પાસે, રાજધાની કરાકસથી આશરે 168 કિલોમીટર દૂર અને જમીનથી 13 કિલોમીટરની ઊંડાઈએ હતું.

બીજો આંચકો: પ્રથમ આંચકાની થોડી જ મિનિટો બાદ તેનાથી પણ વધુ તીવ્ર એટલે કે 7.5 ની ક્ષમતાનો બીજો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર મોરોનથી 16 કિલોમીટર દૂર અને 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.

આ પ્રચંડ ધરતીકંપ બાદ અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે દરિયાઈ મોજા ઉછળવાની આશંકાને પગલે પ્યુર્ટો રિકો અને વર્જિન આઇલેન્ડ્સ માટે સુનામીની ચેતવણી (Tsunami Warning) જારી કરી દીધી છે.

ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા જ લોકો જીવ બચાવવા માટે ઇમારતોમાંથી બહાર ખુલ્લા મેદાન અને રસ્તાઓ તરફ ભાગ્યા હતા. લોકો પોતાની નજર સામે જ દીવાલો ધરાશાયી થતી અને ઘરનો સામાન રસ્તાઓ પર વેરવિખેર થતો જોઈને આઘાતમાં સરી પડ્યા હતા. કૅરાકસના બે મુખ્ય વ્યાપારી વિસ્તારો, જ્યાં સામાન્ય રીતે રેસ્ટોરાં અને દુકાનોમાં ભારે ભીડ હોય છે, ત્યાં ઇમારતો ધરાશાયી થવાને કારણે આકાશમાં ધૂળના વિશાળ ગિન્નારો (ગુબાર) ઉડતા જોવા મળ્યા હતા.


Related Posts

Load more