વિકાસદર ઘટ્યો, દેવું વધ્યું’, કોંગ્રેસ નેતા શૈલેષ પરમારના સણસણતા આરોપ

By: Nation Gujarat Team
24 Feb, 2026

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં પૂરક માંગણીઓને લઈને ઉગ્ર ચર્ચા જોવા મળી. વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારએ સરકાર પર નાણાકીય શિસ્ત ભંગ કરવાનો આક્ષેપ કર્યો. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સરકાર બજેટ રજૂ કર્યા પછી ફરીથી પૂરક માંગણીઓ લઈને આવે છે. બજેટ દરમિયાન દરેક વિભાગ પોતાના આવનારા વર્ષના ખર્ચ અંગે વિગતવાર આયોજન અને ચર્ચા કરે છે, છતાં દર વર્ષે વધારાની માંગણી કરવી પડે છે, તે ગંભીર બાબત છે.

તેમણે ટિપ્પણી કરી કે, “રાજ્યનું દેવું અને રાજ્યનું બજેટ હવે કોમ્પિટિશનમાં આવ્યા છે.” તેમના મત અનુસાર બજેટની રકમમાં સતત વધારો થઈ રહ્યો છે, અને તેની સાથે રાજ્યના દેવામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.

આગામી વર્ષે રાજ્ય પર 15,798.69 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડશે

સરકાર દ્વારા 19,300 કરોડ રૂપિયાની પૂરક માંગણી રજૂ કરવામાં આવી છે. પરમારના કહેવા મુજબ, આ વધારાના ખર્ચને કારણે આગામી વર્ષે રાજ્ય પર 15,798.69 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડશે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર વિકાસલક્ષી ખર્ચ કરતાં બિનવિકાસલક્ષી ખર્ચ પર વધુ ધ્યાન આપી રહી છે. આ નીતિ રાજ્યના લાંબા ગાળાના વિકાસ માટે યોગ્ય નથી.

વિધાનસભામાં રજૂ થયેલા સામાજિક અને આર્થિક સમીક્ષા અહેવાલનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં વિકાસદર 1 ટકા ઘટ્યો છે. વર્ષ 2024-25માં વિકાસદર 9.2 ટકા હતો, જે વર્ષ 2025-26માં ઘટીને 8.3 ટકા રહ્યો છે. તેમણે આને ચિંતાજનક ગણાવ્યું.

કેન્દ્ર સરકારની ફાળવણી મુદ્દે પણ શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યા

શૈલેષ પરમારે કેન્દ્ર સરકારની ફાળવણી મુદ્દે સવાલ ઉઠાવતા કહ્યું કે, વર્ષ 2023-24માં કેન્દ્ર દ્વારા 25,557 કરોડ રૂપિયા ફાળવાયા હતા, જ્યારે વર્ષ 2024-25માં આ રકમ ઘટીને 14,127 કરોડ રહી. એક વર્ષમાં 11,460 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હોવાનું તેમણે જણાવ્યું.

પૂર અને વાવાઝોડા દરમિયાન રાજ્ય સરકારે 11 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. વાવાઝોડા સમયે National Disaster Response Fund પાસે 1,553 કરોડ રૂપિયાની સહાય માંગવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર તરફથી હજી સુધી પૂર્ણ સહાય મળી નથી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો.

હાલ વિધાનસભામાં પૂરક માંગણીઓ મુદ્દે ચર્ચા યથાવત છે. સરકાર આ વધારાના ખર્ચને પરિસ્થિતિજન્ય જરૂરિયાત ગણાવી રહી છે, જ્યારે વિરોધ પક્ષ તેને નાણાકીય બેદરકારી ગણાવી રહ્યો છે.

ગુજરાત ભાજપના વધુ એક નેતાએ આપ્યું રાજીનામું


Related Posts

Load more