વિદેશ જઈને પૈસા કમાવવાની લ્હાયમાં એજન્ટોનો સહારો લેતા લોકો માટે વડોદરાથી એક આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના સમા વિસ્તારમાં રહેતા રાણપરા પરિવારનો એકનો એક દીકરો તુષાર રાણપરા એજન્ટોની ચુંગાલમાં ફસાઈ ગયો હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, 2024માં તુષાર રોજગારની લ્હાયમાં દુબઈ ગયો હતો. પરિવારને લાગ્યું હતું કે દીકરો વિદેશમાં સારું કામ મેળવી પરિવારના આર્થિક સંકટ દૂર કરશે. ખાસ કરીને બહેનના લગ્ન માટે લીધેલું દેવું ભરવા માટે તુષાર વિદેશ ગયો હતો. પરંતુ હવે સમગ્ર પરિવાર ભારે ચિંતિત અને દુઃખી છે.વડોદરાનો યુવાન વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં ફસાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. 2024માં દુબઈ ગયેલો તુષાર રાણપરાનો હવે કોઈ પત્તો નથી. રાણપરા પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાઈ ગયો છે. રાણપરા પરિવારે જણાવ્યું કે તેમનો દીકરો તુષાર દુબઈ તો ગયો જ નથી, પરંતુ ત્યાંથી તે કંબોડિયા જવાની વિગતો સામે આવી છે. દુબઈથી હોંગકોંગ ગયા પછી પરિવારનો તુષાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તેની સાથે વાત થઈ શકતી નથી જેના લીધે દીકરા સાથે કશું ખોટું થયાની પરિવારને શંકા છે.ત્યારે આ સમગ્ર મામલે યુવકના પિતાએ એજન્ટ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તુષારના પિતા નાગરભાઈએ વડોદરાના એજન્ટ વેદ, કુશાંગ અને દુબઈનો એજન્ટ અભિષેક સિંહ વિરૂધ્ધ અરજી આપી છે. તેમણે જણાવ્યું કે તુષાર રાણપરા છેલ્લા 2 મહિનાથી પરિવારના સંપર્કમાં નથી. તુષારના પિતા નાગરભાઈએ એજન્ટ વેદ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે દુબઈમાં તે અભિષેક કુમાર સિંહના સંપર્કમાં આવ્યો હતો. જ્યાંથી તેને થાઇલેન્ડ કે કંબોડિયા મોકલી દેવાયો હોવાની શંકા છે.છેલ્લા બે મહિનાથી દીકરાની કોઈ ખબર ન મળતાં માતા-પિતા વ્યાકુળ બની ગયા છે. રાણપરા પરિવારને શંકા છે કે તેમના દીકરાને અજ્ઞાત જગ્યાએ ગોંધી રાખીને તેની સાથે અમાનુષી વ્યવહાર કરવામાં આવતો હશે. તેથી માતા પિતા આશા રાખી રહ્યા છે કે પોલીસ, રાજ્ય અને કેન્દ્ર સરકાર મદદ કરી દીકરો પાછો લાવવા મદદ કરે. તુષારના પિતા નાગર રાણપરા અને માતા નીતા રાણપરા દીકરાને પાછો લાવવા માટે ભારે આક્રંદ કરી રહ્યા છે. ત્યારે માતાએ રડતાં રડતાં સરકારને હાથ જોડીને કહ્યું, મારા દીકરાને પરત લાવી આપો.