Vadodara NSUI News: ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે. કારણકે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં રાજ્યમાં નશીલા પદાર્થ વેચનારાઓને જાણે ખુલ્લી છૂટ મળી ગઈ છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વડોદરામાં પોલિટેકનિક બ્રિજ પાસે રસ્તા પર ચક્કાજામ કર્યો હતો.
એન.એસ.યુ.આઈ. ના કાર્યકરોએ હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી હતી. આકરા તાપમાં કાર્યકરો રસ્તા પર સૂઈ જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને હજારો વાહન ચાલકો પણ અટવાયા હતા. કાર્યકરોએ ‘ભાજપ હાય હાય’.. ના નારા લગાવ્યા હતા. કાર્યકરોએ ‘નશો ભગાડો, ગુજરાત બચાવો’ તેમજ ગૃહમંત્રી રાજીનામુ આપે તેવા પોસ્ટરો દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
વિરોધ પ્રદર્શનના સ્થળે દોડી આવેલી ફતેગંજ પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરીને રોડ ખુલ્લો કરાવ્યો હતો. આ દરમિયાન કાર્યકરોને પોલીસે ટિંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડવા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શહેરના કારેલીબાગ વિસ્તારમાં હોળીની રાતે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાના મોત અને બીજા સાત લોકો ઘાયલ થયા છે. એન.એસ.યુ.આઈ.નો આક્ષેપ છે કે, કાર ચાલક રક્ષિત ડ્રગ્સના નશામાં હોવાની પૂરેપૂરી આશંકા છે. આ સ્થિતિ સર્જાવાનું કારણ ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલી રહેલો નશાનો વેપાર છે. ગુજરાતમાં દારુબંધી પણ કાગળ પર જ રહી છે. એન.એસ.યુ.આઈ.ના કાર્યકરોએ કહ્યું હતું કે, ‘ગુજરાત સરકારની રહેમનજર હેઠળ જ નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને આ માટે ગૃહમંત્રીની સીધી જવાબદારી બને છે. તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ.’